મહેસાણાના સોમનાથ રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડના બીજા માળે આવેલા ફ્લેટનો નકૂચો તોડીને ધોળાદહાડે અંદર ઘૂસી તસ્કરો દાગીના, રોકડ મળી કુલ રૂ.1.64 લાખની મત્તા ચોરી ગયા હતા. મહિલા દીકરી અને ભાણાને લઇ બજારમાં ખરીદી માટે ગયાં તે ગાળામાં ચોરીની ઘટના બની હતી. એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોધી તપાસ શરૂ કરી છે. 2 કલાકના ગાળામાં બનેલી આ ઘરફોડમાં કોઇ જાણભેદુની સંડોવણીની શંકા છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડ સાત માળિયા ફ્લેટના બીજા માળે રહેતાં જ્યોત્સનાબેન વિજયભાઇ પરમાર શુક્રવારે સવારે 11.15 વાગે ઘરને તાળું મારી તેમની દીકરી અને ભાણાને લઇને બજારમાં ખરીદી કરવા ગયા હતા અને બપોરે 1.15 વાગ્યાના અરસામાં પરત ફરતાં ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તૂટેલી હાલતમાં હતો. તસ્કરો નકૂચો તોડી અંદર પ્રવેશીને લાકડાની તિજોરીનો માલ સામાન વેરણછેરણ કર્યો હતો.
ઘરમાંથી સોનાનું દોઢ તોલાનું મંગલસુત્ર રૂ.60 હજાર, સોનાની એક તોલાની ચેન રૂ.40 હજાર, ત્રણેક ગ્રામની સોનાની બુટ્ટી રૂ. 10 હજાર, એક ગ્રામની સોનાની કાનની શેર રૂ.4000 તેમજ સાડી વેચાણના આવેલ રોકડ રૂ.50 હજાર મળી કુલ રૂ. 1.64 લાખની મત્તા ચોરી ગયા હતા. બજારથી પરત આવેલ મહિલાને ઘરમાં ચોરી થયાની જાણ થઇ હતી. જે અંગે જ્યોત્સનાબેન પરમારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.