મહેસાણા ટોલ નાકા પાસેથી મોડી રાત્રે કતલ ખાને જતી એક ટ્રકને પોલીસે ઝડપી પાડી હતી. પોલીસ અને એક સંસ્થાના માણસોએ ભેગા મળી રાત્રે વોચ ગોઠવી અમદાવાદ જતી ટ્રકને ઝડપી લીધી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી કુલ 75 પશુઓ મળી આવ્યાં હતા. સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી
લીમડી ખાતે રહેતા અને એક સંસ્થા જોડે જીડાયેલા પશુ પ્રેમી રઘુભાઈ સિંધવે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું કે, તેઓને બાતમી મળી હતી કે રાજસ્થાનથી એક GJ1JT4422 નમ્બરની ટ્રક પશુઓ ભરીને અમદાવાદ જનાર છે. બાતમી મળતા પશુ પ્રેમી પોતાના મિત્રો સાથે રાત્રી દરમિયાન મહેસાણા ટોલ નાકા પાસે આવી પોલીસ કંટ્રોલમાં આ મામલે જાણ કરી પોલીસની મદદ માંગતા પોલીસ પણ ટોલ નાકે આવી પહોંચી હતી.
પોલીસ જોઈ ડ્રાઇવરે ટ્રક ભગાડતાં પોલીસ પીછો કરી ઝડપ્યાં
સમગ્ર મામલે ટ્રકને ઝડપવા મહેસાણા તાલુકા પોલીસ અને વર્ધમાન જીવ દયા સંસ્થાના માણસો ચેકિંગ પર હતા. એ દરમિયાન ટ્રકના ચાલકે પોલીસને જોતા પોતાની ટ્રક દોડાવી હતી, જે બાદમાં પોલીસે અને સંસ્થાના માણસોએ પણ પોતાની ગાડીઓ દોડાવી ટ્રકનો પીછો કર્યો હતો. બાદમાં આગળ જઇ ટ્રક ઝડપી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી પશુઓને ઘાસ ચારા વિના અને પાણી વિના ક્રૂરતા પૂર્વક બાંધી રાખ્યા હતા. જેમાં પાડા 63 અને 13 પાડીઓ મળી કુલ 75 પશુઓઓને છોડાવ્યાં હતા. પોલીસે પશુઓની કિંમત 1.50 લાખ, ટ્રક કિંમત 5 લાખ તેમજ 10 હજાર 500 રોકડાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ટ્રક ડ્રાઇવર સાદિક હુસેન તેમજ ક્લીનર હબીબ ખાનને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ પશુઓ રાજસ્થાનના બિલારા ખાતેથી અખતર ભાઈ નામના વ્યક્તિએ ભરાવી અમદાવાદના દાણી લીમડા ખાતે ઢોર બજારમાં કતલ ખાને લઇ જવાના હતા તેવું પોલીસ સમક્ષ આરોપીઓએ કબુલાત કરી હતી. તાલુકા પોલીસે ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.