વિદ્યાર્થી ગુમ:મહેસાણાથી પાલનપુર હોસ્ટેલમાં જવા નીકળેલો વિદ્યાર્થી રહસ્યમય રીતે લાપતા થયો

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણામાં એક વિદ્યાર્થી રહસ્યમય રીતે ગુમ થયાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થી પોતાના ઘરેથી પાલનપુર હોસ્ટેલમાં જવા નીકળ્યો હતો તેમજ મોડી સાંજ સુધી વિદ્યાર્થી હોસ્ટેલમાં ન પહોંચતા પરિવારને જાણ થતાં સગા સંબંધીઓને ત્યાં શોધખોળ હાથ ધરી હતી. જોકે, બે દિવસ વીતવા છતાં વિદ્યાર્થી ક્યાંક ન મળતા આખરે પરિવાર મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

15 વર્ષીય કિશોર મહેસાણા સુધી આવ્યો બાદમાં લાપતા
મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ 15 વર્ષીય કિશોર રબારી કિસ્મત 5 સપ્ટેમ્બરના રોજ પોતાના પિતાના ઘરેથી પાલનપુરમાં જગણા હોસ્ટેલમાં અભ્યાસ અર્થે જવા નીકળ્યો હતો. કિશોરમાં માતા પિતા જે તબેલામાં કામ કરતા હતા ત્યાંથી ઇકો ગાડીમાં બેસી મહેસાણા સુધી કિશોર આવ્યો હતો.બાદમાં મોડી સાંજ સુધી કિશોરના કોઈ સમાચારન મળતા પરિવાર ચિંતિત બનતા જગણા હોસ્ટેલમાં ફોન કરી તપાસ કરતા જાણવા મળ્યું કે કિશોર હોસ્ટેલમાં પરત આવ્યો નહોતો.

ગુમ થયાના દિવસે કિશોરનો ફોન ઓન ઓફ થયો
મહેસાણાથી પાલનપુર જવા નીકળેલો કિશોર મહેસાણા મોઢેરા ચોકડી નજીક આવેલા બસ સ્ટોપ પાસે ઉભો હતો, ત્યારબાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયા બાદ પરિવારજનોએ તપાસ હાથ ધરી હતી. તેમજ કિશોરના પિતાએ દિવ્ય ભાસ્કરને ટેલિફોન દ્વારા જણાવ્યું હતું કે, જે દિવસે ગુમ થયો ત્યારે એનો ફોન થોડીવાર માટે ચાલુ હતો. ત્યારબાદ બંધ થતો અને ફરી ચાલુ થયો. જોકે, હાલમાં ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે. તેમજ પરિવારજનોએ વોટ્સએપ અને ટેક્સ મેસેજ પણ કર્યા છે. જોકે, કિશોરે કોઈ મેસેજ કે કોલનો વળતો જવાબ આપ્યો નહોતો.

અપહરણની ફરિયાદ નોંધાઇ
સમગ્ર મામલે બે દિવસ બાદ કિશોરના ગુમ થયા બાદ પરિવાર મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...