તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પોટાશમાં યુરિયા ખાતરની ભેળસેળ કરી ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખાતરમાં ભેળસેળ કરતાં 50 ટકા ફાયદો થતો હોઇ ભેળસેળની રાવ, 7 દિવસમાં સેમ્પલનું રિઝલ્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી
  • કૃષિના ગુણવતા નિયંત્રણ વિભાગે વિજાપુરની માઢી સહકારી મંડળીમાં ખાતરની 181 બેગ સીલ કરી

વિજાપુર તાલુકાના ફુદેડા ગામના ખેડૂતે માઢીની સહકારી મંડળીમાંથી એમઓપી ખાતરની 50 કિલોની બેગ ખરીદી હતી. જેમાં પોટાશ સાથે યુરિયાનું ભેળસેળ હોવાનું જણાતાં બુધવારે કૃષિ વિભાગના ગુણવતા નિયંત્રણ વિભાગના ત્રણ અધિકારીઓએ મંડળીમાંથી સેમ્પલ લઇ 181 બેગ સીલ કરી હતી. એક સપ્તાહમાં સેમ્પલનું પરિણામ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. ફુદેડા ગામના પ્રકાશભાઇ પટેલે મંગળવારે માઢી સહકારી મંડળીમાંથી રૂ.950ના ભાવે એમઓપી ખાતર ખરીદ્યુ હતું. જોકે, બેગ ચકાસતાં તેમાં પોટાશ સાથે યુરિયા ખાતરની ભેળસેળ જણાઇ હતું. આથી ખેડૂતે મંડળીના પ્રમુખને રૂબરૂ બોલાવી ખાતરની બીજી બેગ મગાવી તપાસ કરતાં તેમાં પણ આ સ્થિતિ હતી.

ખાતરમાં ભેળસેળ હોવાની જાણ જિલ્લા કૃષિ વિભાગના ગુણવતાં નિયંત્રણ વિભાગને થતાં ઇન્ચાર્જ મદદનીશ ખેતી નિયામક ડી.ડી. સુથાર, વિજાપુર ખેતીવાડી અધિકારી બી.જે. પટેલ અને વિસનગર ખેતીવાડી અધિકારી જે.ડી. ચૌધરીની સંયુક્ત ટીમે બુધવારે માઢી ગામની મંડળીમાં ધામા નાંખ્યા હતા. જેમાં મંડળીને ફાળવેલી ઇન્ડિયન પોટાશ લી. ચેન્નાઇ કંપનીની એમઓપી ખાતરની 200પૈકી 19 બેગનું વેચાણ કર્યું હતું, તપાસ ટીમે 181 બેગ સીલ કરી લીધેલા સેમ્પલ ગાંધીનગરની રાસાયણિક ખાતર પ્રયોગશાળામાં મોકલવાની તજવીજ કરી હતી.જ્યાં સુધી સેમ્પલનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી ખાતરનો જથ્થો સીલ કર્યો છે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, એમઓપી ખાતર લુઝમાં જોર્ડન દેશમાંથી ઇમ્પોર્ટ કરી ચેન્નઇની ઇન્ડિયન પોટાશ લી. કંપનીથી ગત મે માસમાં પેકિંગ કર્યું હતુ.

આ બાબતે આગળ શું કાર્યવાહી થઇ શકે છે?
માઢી ગામની સહકારી મંડળીમાંથી જે બેચ નંબરના ખાતરના જથ્થામાંથી સેમ્પલ લેવાયા જો તે પોઝિટિવ એટલે કે ખરેખર ભેળસેળ હોવાનું સાબિત થશે તો કલેક્ટરને જાણ કરવાની સાથે જિલ્લામાં આ બેચ નંબરનો તમામ જથ્થો સ્ટોપ સેલ કરાશે.

યુરિયા ખાતરના ભેળસેળથી આ રીતે ફાયદો થાય
સબસિડીયુક્ત એમઓપી ખાતરની 50 કિલો બેગની કિંમત રૂ.950 છે, તેની સામે સબસિડી યુક્ત યુરિયા ખાતરની કિંમત રૂ.266 છે. એટલ કે, કંપની જો ભેળસેળ કરે તો તેને એક બેગમાં 50%નો નફો થઇ શકે

પોટાશથી પાકની રોગપ્રતિકારક શક્તિ વધે છે
એમઓપી ખાતરમાં પોટાશની માત્રા 60% હોય છે. પોટાશ પાક માટેનો મુખ્ય ઘટક છે. પોટાશ આપવાથી પાકની રોગ પ્રતિકારક શક્તિ વધવાની સાથે ઉતારા સમયે પાકની ગુણવત્તા પણ સારી રહે છે. ખેડૂતો શાકભાજી, તેલીબિયાં અને બટાટા જેવા પાકોમાં પોટાશ આપતા હોય છે. જોકે, મહેસાણા જિલ્લાની જમીનમાં પોટાશનું પ્રમાણ મધ્યમથી વધુ પડતું હોઇ કૃષિ વૈજ્ઞાનિકો તેની ભલામણ કરતાં નથી.}રમેશભાઇ પટેલ, કૃષિ વેજ્ઞાનિક કેવીકે ખેરવા

સાબરકાંઠામાં પણ અગાઉ સેમ્પલ લેવામાં આવ્યા
સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, એમઓપી ખાતરમાં યુરિયા ખાતરની ભેળસેળ હોવાની રાવ સાબરકાંઠા જિલ્લામાં પણ ઉઠી હતી. પરંતુ સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ આવતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...