ગધેડાના હુમલાના CCTV:ખેરાલુમાં હડકાયા ગધેડાએ તોફાન મચાવ્યું, જાહેરમાં 5 લોકોને બચકા ભરી લેતા ભાગદોડ મચી

મહેસાણા2 મહિનો પહેલા
  • ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા, એક મહિલાને પગમાં ફ્રેકચર થયું

ખેરાલુમાં ગઈકાલે સાંજે એક ગધેડાએ ભર બજારમાં હાહાકાર મચાવ્યો હતો. આ હડકાયા ગધેડાએ 5 લોકોને બચકા ભર્યા હતા. પિતા-પુત્રની સાથે બે મહિલાઓ અને એક બાઈક ચાલક પર ભરી બજારમાં હુમલો કર્યો હતો. એક મહિલાને પાડી દઈ અને બચકા ભરવા લાગ્યો હતો. જેથી લોકોએ મહામહનતે મહિલાને છોડાવી હતી. આ ઘટનામાં મહિલાને પગમાં ફેક્ચર પણ થયું હતું. તેમજ અન્ય લોકોને પણ ઇજા પહોંચતા તેઓને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.

પિતાને બચાવવા જનાર પુત્ર પર પણ હુમલો કર્યો
મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેરમાં આવેલા ખોખરવાડા વિસ્તાર, ઓડવાસ વિસ્તારમાં ગધેડાને હડકવા ઉપડતા ભાગદોડ મચી હતી. જેમાં નજીકમાં દેવીપુજક વાસમાં રહેતા કિશનભાઇ કાનજીભાઈને ખભા ઉપર ગધેડાએ બચકું ભર્યુ હતું. તેમનો પુત્ર પંકજભાઈ કિશનભાઇ પિતાને બચાવવા વચ્ચે આવતા તેને પણ ગધેડાએ બચકા ભર્યા હતા. જે બાદ સ્થાનિકોએ ગધેડાને ભગાડ્યો હતો.

આ ગધેડાએ બાદમાં ખરીદ વેચાણ સંઘ નજીક મહોલ્લામાં રહેતા જશીબેન મહેશભાઈ મકવાણાને પણ પગના ભાગે બચકું ભર્યું હતું. તેમજ ખેરાલુ અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા આશા વર્કર ચંચળબેન મનુભાઈ શ્રીમાળીને બચકું ભરતા તેમને પગે ફેક્ચર થયું હતું. જેથી હાલ તેઓને વધુ સારવાર અર્થે વડનગર રીફર કરવામાં આવ્યાં છે.

સ્થાનિકોમાં ભયનો માહોલ
બીજી બાજુ ખારી કુવી ડોક્ટર હાઉસ નજીકથી પસાર થઈ રહેલા બાઇક ચાલક ઇબ્રાહીમભાઇ ગફારભાઈ નાગોરીને પગના ભાગે બચકું ભર્યુ હતું. તેમામ ઈજાગ્રસ્તને ખેરાલુ સિવિલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યાં હતા. ખેરાલુ શહેરમાં પાંચ લોકોને બચકા ભરી ગધેડો નદી તરફ ભાગ્યો હતો. જેને પકડવા સ્થાનિકોએ અથાક પ્રયાસો કર્યા હતા, પરંતુ મોડી સાંજ સુધી ગધેડો નહીં પકડાતા ખેરાલુ વાસીઓમાં ભયનો માહોલ છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...