ઉ.ગુ.ના 21 તાલુકામાં તોફાની વરસાદ:પાટણમાં સૌથી વધુ સવા ઇંચ, મહેસાણામાં રાત્રે ગાજવીજ સાથે ઝાપટું

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં રાત્રે 10 વાગે ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું. - Divya Bhaskar
મહેસાણામાં રાત્રે 10 વાગે ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું.
  • કડીમાં પોણો અને વિસનગરમાં અડધો ઇંચ, જોટાણા, ખેરાલુ, બહુચરાજી, વડનગરમાં ભારે ઝાપટાં
  • સિદ્ધપુરના​​​​​​​ કલ્યાણામાં વીજળી પડતાં ખેડૂતનું મોત, સરસ્વતી પંથકમાં છાપરાં ઉડ્યાં

ટ્રફલાઇન અને બંગાળની ખાડીમાં સર્જાયેલા વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમના કારણે શનિવાર બપોરથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સપ્ટેમ્બરના પ્રથમ વરસાદી રાઉન્ડનો પ્રથમ દિવસ તોફાની રહ્યો હતો. કલાકે 20 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ભારે પવન અને કડાકા-ભડાકા સાથે 21 તાલુકામાં તોફાની વરસાદ વરસ્યો હતો. પાટણ પંથકમાં સૌથી વધુ સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. મહેસાણા જિલ્લામાં સૌથી વધુ કડીમાં પોણો ઇંચ અને વિસનગરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

જ્યારે જોટાણા, ખેરાલુ, બહુચરાજી અને વડનગરમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. મહેસાણામાં રાત્રે 10 વાગે ગાજવીજ સાથે જોરદાર ઝાપટું પડ્યું હતું. વડનગરના અમરથોળ દરવાજા વિસ્તારમાં સુરેશજી ઠાકોરના ઘર નજીક વીજળી પડવાની 2 ગાયના મોત થયા હતાં. ડિગ્રી સુધી ઘટતાં મુખ્ય 5 શહેરોનું તાપમાન 36 ડિગ્રીથી લઇ 38 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું.

જ્યારે સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામે ચેનાજી રણછોડજી ઠાકોર (57) ખેતરના શેઢા પર ઉભા હતા તે દરમિયાન વીજળી પડતાં તેમના શરીરનો જમણી બાજુનો ભાગ દાઝી ગયો હતો. તેમને બેભાન હાલતમાં ધારપુર સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવતાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

આ ઉપરાંત, સરસ્વતી પંથકમાં વાવાઝોડામાં તબેલાના છતના પતરા ઉડીને દૂર સુધી ખેતરોમાં પડતાં ભાગીને ભુક્કો થઈ ગયા હતા. અને ઘરમાં રહેલ અનાજ સહિત ઘરવખરી વરસાદમાં પલળી જતાં અનેક લોકો ચિંતામાં મુકાયા હતા. હેમણીપુરાના પેમાજી છગનજી ઠાકોરે જણાવ્યું હતું કે ફકત ત્રણ મીનીટના વાવાઝોડાથી જીવ અધ્ધર થઈ ગયા હતા. મેંહદીભાઈ જલાલભાઈ હેદરપુરા ગામના તબેલાના શેડના 30 પતરાં 500 મીટર દૂર ખેતરોમાં પડતા ભાગીને ભુક્કો થઈ ગયા હતા અને વાસણી ગામે કાળાજી પરથીજી ઠાકોરને પગના ભાગે ઈંટ પડતા ફ્રેકચર થયું હતું.

આજે ઉ.ગુ.ના 51થી 75% વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
હવામાન વિભાગે, રવિવારે ઉત્તર ગુજરાતના 51% થી 75% વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની વરસવાની શક્યતા વ્યક્ત કરી છે. આ દરમિયાન ભારે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ પણ થઇ શકે છે.

21 તાલુકાઓમાં વરસાદ

  • મહેસાણા : કડીમાં 18 મીમી, વિસનગરમાં 14 મીમી, જોટાણામાં 6 મીમી, ખેરાલુમાં 2 મીમી, બહુચરાજીમાં 1 મીમી
  • પાટણ : પાટણમાં સવા ઇંચ, ચાણસ્મામાં 21 મીમી, સિદ્ધપુરમાં 15 મીમી, શંખેશ્વરમાં 2 મીમી
  • બનાસકાંઠા : કાંકરેજમાં 18 મીમી, વડગામમાં 15 મીમી, પાલનપુરમાં 15 મીમી, દાંતામાં 11 મીમી, દિયોદરમાં 8, અમીરગઢ 4 મીમી
  • સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં 14 મીમી
  • અરવલ્લી : માલપુરમાં 6 મીમી, ધનસુરામાં 5 મીમી, બાયડમાં 3 મીમી, મોડાસામાં 3 મીમી, ભિલોડામાં 1 મીમી
અન્ય સમાચારો પણ છે...