કોરોનાની આડઅસર:કોરોનાના 6 મહિના બાદ મહેસાણા જિલ્લામાં મ્યુકરમાઈકોસિસનો નવો કેસ નોંધાયો

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
આંખમાં ફંગસ થઇ જતાં બંને આંખો ગુમાવી.  મગજમાં પ્રસરે નહીં તે માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવા તબીબોની સલાહ. - Divya Bhaskar
આંખમાં ફંગસ થઇ જતાં બંને આંખો ગુમાવી. મગજમાં પ્રસરે નહીં તે માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવા તબીબોની સલાહ.

મહેસાણા જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં મ્યુકર માઈકોસિસે કહેર મચાવ્યો હતો, તેના 6 માસ બાદ જિલ્લામાં મ્યુકર માઈકોસિસના રોગે ફરી દેખા દીધી છે. ઉનાવાનાં 56 વર્ષિય મહિલાને ચિકનગુનિયાની સારવાર બાદ મ્યુકરમાઈકોસિસ થતાં ઓપરેશન બાદ હાલ મહેસાણા સિવિલમાં સારવાર ચાલી રહી છે. મગજમાં ઈન્ફેક્શન પહોંચે તે પહેલાં અમદાવાદ સિવિલમાં રીફર કરવાની તબીબોએ સલાહ આપી છે.

ઉનાવાનાં કૈલાસબેન સેવંતીભાઈ પટેલ (56)ને દિવાળીના તહેવારોમાં ચિકન ગુનિયાની અસર થતાં સ્થાનિક તબીબની દવા લીધી હતી. દવા લીધા બાદ ડાયાબિટીસ વધી જતાં ઈન્ફેક્શન લાગ્યું હતું. તેથી મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. ફંગસનું ઈન્ફેક્શન લાગતાં તેમણે બંને આખોએ દેખાતું બંધ થયું હતું. તેથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરી મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. મ્યુકર માઈકોસિસના એમ્ફો ટેરીસીન-બી ઈન્જેક્શનનો ડોઝ આપવાનો હોઇ મહેસાણા સિવિલના ટ્રોમા સેન્ટરના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયાં છે.

આંખોમાં ઈન્વોલમેન્ટ થયું છે, મગજમાં થશે તો તકલીફ
સિવિલ હોસ્પિટલના ફિઝિશિયન ડો.મિત્તલ પટેલે કહ્યું કે, હાલમાં દર્દીની મ્યુકર માઈકોસિસની સારવાર હેઠળ ઈન્જેક્શનના ડોઝ અપાઇ રહ્યાં છે. જ્યારે ડો. ચિરાગ ઓડેદરાએ કહ્યું કે, દર્દીની બંને આંખોમાં ઈન્વોલમેન્ટ છે. મગજમાં ઈન્વોલમેન્ટ થશે તો તકલીફ થવાની શક્યતા છે. તેથી સિટીસ્કેન અને એમઆરઆઈ કરાવી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવાની સલાહ આપી છે.

પુત્રએ કહ્યું, 8 લાખ ખર્ચ થયો, વધુ કરી શકું તેમ નથી
દર્દીના પુત્ર મયુર પટેલે કહ્યું કે, ધનતેરસના દિવસથી તકલીફ થતાં ઉનાવા, મહેસાણામાં સારવાર કરાવી ઝાયડસમાં ઓપરેશન કરાવ્યું છે. ત્યાર બાદ લાયન્સમાં દાખલ કર્યા હતા. અત્યાર સુધી 8 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. વધુ ખર્ચ પરવડે તેમ નહીં હોઇ ડોક્ટરો જવાબદારી લે તો અમદાવાદ લઈ જવા તૈયાર છું.

ઈમ્યુનિટી ડાઉન થવાના કારણે પણ ફંગસ થઈ શકે
જિલ્લા એપેડેમિક આરોગ્ય અધિકારી ડો.વિનોદ પટેલે કહ્યું કે, સામાન્ય રીતે ફંગસ વાતાવરણમાં હોય છે. ઈમ્યુનિટી ઘટવાના કારણે નાક વાટે ફંગસ પ્રવેશતું હોય છે. મ્યુકર ચેપી રોગ નથી. ઉનાવાનાં મહિલાને ચિકનગુનિયા થયા બાદ મ્યુકર થયો હોવાની માહિતી છે. હાલમાં સિવિલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયાં છે.

કોરોનાની બીજી લહેર બાદ જિલ્લામાં અંદાજે 40 કેસ નોંધાયાં હતાં
કોરોનાની બીજી લહેર બાદ બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસ નામથી મ્યુકર માઈકોસિસના કેસ નોંધાયાં હતાં. મહેસાણા જિલ્લામાં મે-2021 સુધીમાં મ્યુકર માઈકોસિસનાં 40 કેસ નોંધાયાં હતાં, તે પૈકી 2 લોકોનાં મોત થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...