મહેસાણા શહેરમાં પણ કેબલવોર ચાલુ થયું હોય એમ મોઢેરા રોડ પર જીટીપીએલ કેબલની ઓફિસ ચલાવતા આધેડને બે શખ્સોએ ઘરમાં ઘૂસી માર મારી કેબલની ઓફિસ બંધ કરી દેવા ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઇ છે. મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, મોઢેરા રોડ પર લકીપાર્ક સોસાયટીમાં રહેતા સુનિલ ગ્લેડવીનભાઈ ક્રિશ્યન 32 વર્ષથી સ્મિત કોમ્યુનિકેશન ચેનલના નામે કેબલ ઓપરેટરનો ધંધો કરે છે અને તેમની સોસાયટી પાછળ સ્મિત કોમ્યુનિકેશન જીટીપીએલ ચેનલની ઓફિસ આવેલી છે.
ગત 24 મેના રોજ સુનિલભાઈ ઘરે હતા, ત્યારે દેદિયાસણ ગામના જગદીશભાઈ ડાહ્યાભાઇ નાયક અને નીતિનભાઇ હરગોવનભાઇ પટેલનો ભત્રીજાએ આવી ગાળો બોલી ચેનલનો ધંધો બંધ કરી દેજો કહી ગડદાપાટુનો માર માર્યો હતો અને બાજુમાં આવેલી જીટીપીએલ ચેનલની ઓફિસમાં ઘૂસી હાજર કોમ્પ્યુટર ઓપરેટર ચિરાગ લિમ્બાચિયા સાથે પણ ઝપાઝપી કરી તેમજ જીતેન્દ્ર નાયકને ઓફિસ બંધ કરી દો નહીંતર ત્રણેયને એક્સિડન્ટ કરી મારી નાખીશુંની ધમકી આપી ઓફિસના બંને કર્મચારીઓને બહાર કાઢી શટર બંધ કરી તાળું મારી ચાવી લઈને જતા રહ્યા હતા.
જે અંગે સુનિલભાઈ ક્રિશ્યનએ શુક્રવારે બંને વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમના માનવા મુજબ, હબટાઉનમાં આવેલ હર્ષ કોમ્યુનિકેશન નામની ચેનલ ચલાવતા આશિષ નટવરલાલ પંડ્યાના કહેવાથી આ બંને માણસો આવ્યા હોવાનું પણ જણાવ્યું છે. આ અંગે ધમકી અને મારામારી કરનાર દેદિયાસણના 2 સામે મહેસાણા બી ડિવિઝનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે બંને સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.