વડનગર તાલુકા પંચાયતના મોલીપુર બેઠક પરથી ચૂંટાયેલા નજરૂદીન યાકુબભાઇ ગુડાળને ત્રણ સંતાન મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કરાયો છે. ગત ફેબ્રુઆરી 2021માં વડનગર તા.પં.ની મોલીપુર બેઠક પરથી નજરૂદીન યાકુબભાઇ ગુડાળ સભ્યપદે ચૂંટાયા હતા અને 17 માર્ચ 2021ના રોજ તાલુકા પંચાયતના સભ્ય બન્યા હતા.
આ દરમિયાન 19 મે 2021ના રોજ તેમને ત્યાં ત્રીજા સંતાન તરીકે પુત્રીનો જન્મ થયો હતો. આ મામલે એક જાગૃત નાગરિકે વડનગર તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને જે-તે સમયે રજૂઆત કરી હતી. આ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ 25 જાન્યુઆરી 2021ના રોજ નજરૂદીનને કારણદર્શક નોટિસ પાઠવી સુનાવણી પ્રક્રિયા હાથ ધરી હતી.
તારીખ 16 ફેબ્રુઆરી અને 9 માર્ચની એકપણ મુદતમાં તેઓ હાજર રહ્યા ન હતા. તેમજ આ મામલે કોઇ લેખિત ખુલાસો પણ કર્યો ન હતો. જેને લઇ ડીડીઓ ડો. ઓમ પ્રકાશે પાલનપુર પાલિકા સીઓ દ્વારા પૂરી પડાયેલી ત્રીજા સંતાનના પુરાવાને માન્ય રાખી 28 એપ્રિલના રોજ મોલીપુર બેઠકના સભ્ય નજરૂદીન યાકુબભાઇ ગુડાળને સભ્યના હોદ્દા પરથી દૂર કરવા આદેશ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.