આગ:મહેસાણાના ગુજરાત હાઉસિંગના 5મા માળે મકાનમાં આગથી ઘરવખરી ભડથું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્લોકમાં ફાયર સેફ્ટી સુવિધા બંધ હાલતમાં, પાલિકા ફાયર ટીમે કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો
  • ​​​​​​​ફાયર સેફ્ટી સુવિધા ચાલુ કરવા બે વખત નોટિસ આપેલી છે : ફાયર ઇન્સપેક્ટર

મહેસાણા સોમનાથ રોડ ઉપર આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડના પી બ્લોકમાં પાંચમા માળે એક મકાનમાં શોર્ટસર્કિટથી આકસ્મિક આગ ભભૂકી ઉઠતાં મકાનમાં કપડા સહિતનો સામાન ખાખ થયો હતો. આખાયે બ્લોકમાં અદ્યતન ફાયર સેફ્ટી સુવિધા મેન્ટેનન્સ વગર તૂટેલી ફૂટેલી બંધ હાલતમાં હોઇ જરૂરિયાતના સમયે જ બિનઉપયોગી થઇ પડી હતી.

તાબડતોબ નગરપાલિકા ફાયર રેસ્કયુ ટીમ દોડી આવી અને એક કલાકની જહેમતના અંતે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ દરમ્યાન ભાડેથી મકાનમાં રહેતા શ્રમિક પરિવારની ઘરવખરી ભડથુ થતાં ગૃહિણી ચોધાર આસુએ રડી પડ્યા હતા, જેમને પાડોશીએ સાંત્વના આપી હતી. મહેસાણા નગરપાલિકાના ફાયર ઇન્સ્પેક્ટર હરેશભાઇ પટેલે કહ્યું કે, હાઉસિંગમાં ફાયરની સ્પ્રીક્લર, હોજરીલ, હાઇડ્રન, એક્યુગ્યુશન સહિત તમામ સિસ્ટમ લાગેલી છે પણ મેન્ટેનન્સના અભાવે બંધ હાલતમાં છે.

દિવાળીના અરસામાં ચેકિંગમાં બંધ જણાઇ આવતા પાલિકાએ હાઉસિંગ સોસાયટીના કર્તાહર્તાઓને સિસ્ટમ ચાલુ કરવા બે વખત નોટિસ આપેલી છે.ફાયર સેફ્ટી ચાલુ હાલતમાં ન હોવાના કારણે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પરિવારના માથે મકાનમાં આગ લાગતા મુશ્કેલી આવી પડી. સવારે 11.30 વાગ્યાના અરસમાં આકસ્મિક આગ લાગતા પાંચમા માળે લોબીમાં રમતા બાળકોને ધૂમાડો દેખાતા સૌને જાણ કરી હતી. દરમ્યાન મહેસાણા પાલિકા ફાયર ઇન્સપેક્ટર હરેશ પટેલ સહિત રેસ્કયુ ટીમ સ્થળ પર આવી પહોંચી હતી.

વિસ્તારના કોર્પોરેટર કમલેશ સુતરિયા તેમજ ડ્રેનેજ શાખા ચેરમેન સંજયભાઇ બ્રહ્મભટ્ટ(બંકો)સહિત ચાર કોર્પોરેટર સ્થળ પર દોડી આવ્યા હતા અને ટીમ સાથે સંકલનમાં કાર્યરત થયા હતા. જોકે આ દરમ્યાન ઘરમાં રસોડાને બાદ કરતાં તિજોરી અને બે રૂમમાં કપડા સહિતની તમામ ચીજવસ્તુઓ આગમાં ખાખ થઇ હતી.

દરેક બ્લોકના હોદ્દેદારની પણ મેન્ટેનન્સ જવાબદારી હોય : પ્રમુખ
ગુજરાત હાઉસિંગ બોર્ડ એસો.ના પ્રમુખ કલ્પેશભાઇ રાઠોડે કહ્યું કે, એસોસિએશનમાં સરકારનું રૂ. 60 લાખ ભંડોળ પડ્યું છે. તેમાંથી દર મહિને પાણીનું સવા લાખ બિલ ભરાય છે. દરેક બ્લોકમાં હોદ્દેદારો છે અને દરેક બ્લોકમાં સ્વયં મેન્ટેનન્સ કરાવવા કહેલું છે, જેથી ભંડોળમાં વધુ આર્થિક બર્ડન ન આવે. ફાયર સેફ્ટીનો પંપ ખરાબ થયેલો હોઇ રિપેરિંગમાં આપેલો છે.

અગ્નિશામક છે પણ બિનઉપયોગી
ગુજરાત હાઉસિંગના બ્લોકમાં નજર કરતાં અગ્નિશામક સિસ્ટમ તો લાગેલી છે પણ વર્ષ 2016ના લાગેલા એક્યુગ્યુશન બોટલ રિફિલ થયા વગર બિન ઉપયોગી લટકી રહ્યા છે. પંપ બોકક્ષ તૂટેલી, ખુલ્લી હાલતમાં અને અંદર વાસણો અને કચરો જોવા મળ્યો હતો.

મહિને રૂ. 300 મેન્ટેનન્સ છતાં સુવિધા નથી
હાઉસિગના મકાનમાં રહેતા યુવાન મેહુલભાઇ પરમારે કહ્યું કે, દર મહિને અમે લાઇટ અને લિફ્ટ, સફાઇ વગરે માટે રૂ. 300 મેન્ટેનન્સ ચાર્જ આપીએ છીએ પરંતુ ફાયર સેફ્ટી મેન્ટેનન્સ જ થયેલ નથી.

અન્ય સમાચારો પણ છે...