નિર્ણય:એક ખેડૂતને એક મહિનામાં યુરિયા ખાતરની 50 બોરીથી વધુ નહીં મળે

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા જિલ્લામાં શિયાળામાં 40 હજાર મેટ્રીક ટન યુરિયાનો વપરાશ થાય છે

અત્યાર સુધી સબસિડી યુક્ત યુરિયા ખાતરની કોઇ મર્યાદા નક્કી ન હોવાના કારણે કેટલાક ખેડૂતો પોતાની જરૂરિયાત કરતાં વધુ ખાતરનો સ્ટોક કરતાં હતા. જેને લઇ ઘણીવાર ખાતરની કૃત્રિમ અછત સર્જાતી હતી. આ સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર દ્વારા યુરિયા ખાતરની ખરીદી પર નિયંત્રણ લાદતાં એક ખેડૂત એક મહિનામાં 50 બોરીથી વધુ યુરિયા ખાતરની ખરીદી નહીં કરી શકે.સબસિડીયુક્ત યુરિયા ખાતરની ખરીદી પર અત્યાર સુધી કોઇ મર્યાદા ન હોઇ ખેડૂતો તેમની ઇચ્છા પ્રમાણે ખરીદી કરી શકતા હતા.

શિયાળુ સિઝનમાં યુરિયા ખાતરનો વધુ વપરાશ થતો હોઇ કેટલાક ખેડૂતો ખાતર નહીં મળે તો અેવી શંકાના અાધારે જરૂરિયાત કરતાં વધુ પડતો સ્ટોક ખરીદી લેતા હતા. જેના કારણે કૃત્રિમ અછત સર્જાતા અન્ય ખેડૂતોને સમયસર ખાતર મળતું ન હતું. જેને લઇ સરકારે ખાતરના વપરાશ પર અંકુશ લાવવા, કાળાબજારી રોકવા, બિનજરૂરી સ્ટોક ન થાય તેમજ કૃત્રિમ અછત ન સર્જાય તે માટે યુરિયા ખાતરની ખરીદી પર અંકુશ લગાવ્યો છે. જે અંતર્ગત હવે એક ખેડૂત તેના આધારકાર્ડથી એક મહિનામાં 50 બોરથી વધુ ખાતર ખરીદી કરી શકશે નહીં. મહેસાણા જિલ્લામાં શિયાળુ સિઝનમાં 40 હજાર મેટ્રીક ટનથી વધુ યુરિયા ખાતરનો વપરાશ થતો હોય છે. જે આખા વર્ષના કુલ વપરાશનો 65 ટકા જેટલો હિસ્સો છે.

અન્ય સમાચારો પણ છે...