મહેસાણા શહેરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં ભણતા દીકરાને શાળામાં અન્ય વિદ્યાર્થીએ માર મારતા હોઈ શાળાએ વાલી સમજાવવા આવ્યા હતા. જ્યાં આચાર્ય અને શિક્ષક વચ્ચે બોલાચાલી થયા બાદ છુટા હાથની મારામારી સર્જાઈ હતી. બનાવના પગલે શાળાએ આવેલા વાલી અને શાળાના આચાર્ય બને મહેસાણા પોલીસ મથકે એકબીજા વિરુદ્ધ મારામારી અંગે ક્રોસ ફરિયાદ નોંધાવી છે.
મહેસાણા શહેરના બિલાડી બાગ વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતા અજયભાઈ દેવીપૂજકનો દીકરો આયુષ ધોરણ 4માં અભ્યાસ કરે છે. તેમજ મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ શાળામાં નિત્યક્રમ મુજબ શાળામાં અભ્યાસ માટે આવ્યો હતો. જ્યાં અભ્યાસ દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ હેરાન પરેશાન કરી માર મારતા હોવા અંગે વાત કરતા આયુષના વાલી તરીકે આવેલ અજયભાઈએ શાળાએ જઇ સમજાવવા પ્રયાસ કર્યો હતો.
આ સમય દરમિયાન હાજર શાળાના આચાર્ય પંકજભાઈ સાથે વાલીની બોલાચાલી થઈ હતી ત્યારબાદ બને વચ્ચે ઉગ્ર વાતાવરણ સર્જાતા એકબીજા પર હથાપાઈ કરવા લાગતા એક બીજાને માર માર્યો હતો.જેમાં નાની મોટી ઇજાઓ થઈ હતી. બાદમાં શાળાના આચાર્ય શિક્ષક પંકજભાઈ અને વાલી અજય ભાઈ બંનેએ મહેસાણા એ ડિવિઝન પોલીસમાં મારામારી અંગે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.