મહેસાણામાં વ્યાજખોરોથી પીડિત લોકોની ફરિયાદો સાંભળવા બુધવારે જિલ્લા પોલીસવડાએ એ ડિવિઝન પોલીસ મથકે લોક દરબાર ભર્યો હતો. જેમાં લોકોની રજૂઆત સાંભળી હતી અને વ્યાજખોરથી પીડિત એક વ્યક્તિની અરજી લઈ કાર્યવાહી શરૂ કરાવી હતી.
પોલીસવડા અચલ ત્યાગીએ બુધવારે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં વ્યાજખોરોથી પીડિત લોકોની ફરિયાદ સાંભળવા લોક દરબાર ભર્યો હતો. જેમાં છૂટક વેપાર કરતા હર્ષદ આનંદ નામના વેપારીએ કેટલાક સમય પૂર્વે હરેશ પટેલ નામના વ્યક્તિ પાસેથી હાથ ઉછીના રૂ.10 હજાર લીધા હતા.
તે વ્યાજ સાથે ચૂકતે કરી દીધા હોવા છતાં હરેશ અને તેની પત્ની પોતાના ધંધા ઉપર આવીને જાતિવાચક શબ્દો બોલી માનસિક રીતે હેરાન કરતા હોવાની રજૂઆત કરતાં એસપીએ તેની ફરિયાદ લઈ કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. આ સિવાય, કોર્પોરેટર બળદેવજી વાઘેલાએ ગંજ બજારની પાછળ બેફામ ઝડપે બાઈકો ચલાવતા યુવકોનો ત્રાસ હોવાની રજૂઆત કરતાં એસપીએ ત્યાં બંધ પડેલી બ્રહ્માણી પોલીસચોકી ખોલી સવારે 8 થી રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખવા આદેશ આપ્યો હતો.
પોલીસ મથકની બહાર ફરિયાદ પેટી મૂકવામાં આવશે પોલીસ સ્ટેશનની બહાર એક ફરિયાદ પેટી મૂકવાનું એસપીએ એ ડિવિઝન પોલીસને કહ્યું હતું. લોકો ટ્રાફિક, દારૂ, જુગાર સહિત કોઈપણ ફરિયાદ નામ કે પછી નામ વિના અરજી કરીને નાખી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.