અકસ્માત:ઉનાવા પાસે કારનું ટાયર નીકળતાં ડિવાઈડર સાથે અથડાઈ, 2ને ઇજા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા-ઊંઝા રોડે નવી નક્કોર કારને અકસ્માત
  • સરસ્વતી તાલુકાનો પરિવાર સાતુસણા આવતો હતો

ઊંઝા તાલુકાના ઉનાવા ગામે એસ્સાર પેટ્રોલપંપ પાસે અચાનક ટાયર નીકળી જતાં ડિવાઈડર સાથે અથડાયેલી કારમાં સવાર 6 પૈકી મહિલા અને કિશોરને ઈજા પહોંચી હતી. ઉનાવા પોલીસે કારચાલક સામે ફરિયાદ નોંધી હતી.પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અજીમાણા ગામના સુરેશજી મગનજી ઠાકોરે ગત ગુરુવારના રોજ પાટણના શોરૂમમાંથી નવી કાર ખરીદી હતી. તે કાર લઈને વતનમાં માતાજીના દર્શન કરી પરિવાર અને ભાઈ-ભત્રીજા સાથે મહેસાણાના સાતુસણા મુકામે જવા નીકળ્યા હતા.

તે દરમિયાન મહેસાણા-ઊંઝા હાઈવે પર ઉનાવા પાસે એસ્સાર પેટ્રોલપંપની નજીક કારનું ખાલી સાઈડે આગળનું ટાયર અચાનક નીકળી ગયું હતું. જેના કારણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં તેમનાં પત્ની સંગીતાબેન અને ભત્રીજા રાહુલને ઈજા થતાં ઊંઝામાં સરકારી દવાખાને પ્રાથમિક સારવાર કરાવી હતી. ત્યારબાદ પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બનાવ અંગે ઉનાવા પોલીસે કારચાલક સામે ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...