યોગેશ દેસાઇ (DFO)
પતંગિયા આપણાં પરિસરિય તંત્રમાં ખૂબ જ મહત્વની કડી છે. પતંગિયાનું જીવનચક્ર 2 થી 4 અઠવાડિયાનું છે. પરંતુ કેટલીક જાતિઓ 9 મહિના સુધી જીવંત રહે છે. તેમની સ્વાદ પારખવાની શક્તિ તેમના પગમાં હોય છે. તે સાંભળી શકતા નથી, પરંતુ હવાના કંપનથી બધું અનુભવે છે. આવું તો કેટલુંય છે એના વિશે જાણવાનું.
આપણે ત્યાં ઘર પાસે જગ્યાનો અભાવ હોય પણ બાળકો સાથે પ્રકૃતિના અસ્તિત્વનો ખરો આનંદ માણવો હોય તો કેવી રીતે રંગબેરંગી પતંગિયાંને આપણાં ઘરઆંગણે લાવી શકાય તે જાણવું જરૂરી છે. પતંગિયું ઇંડાં તરીકે જન્મે છે, ઇંડામાંથી લાર્વા, લાર્વામાંથી ઈયળ અને ઈયળ ઉપર કોશેટો બને પછી તે તોડીને પતંગિયું બહાર આવે. આમ ચાર તબક્કાનું પતંગિયાનું જીવન.
આ અદભૂત અવતરણને નિહાળવું એ પણ એક લહાવો છે. જેને માટે જરૂરી છે એક નાનકડું સંતુલિત પરિસરિયતંત્ર તમારા ઘરઆંગણે રચવાની. તો કેવી રીતે રચિશું આ તંત્ર? પૃથ્વી પરના કોઈપણ જીવનો વિકાસ તેના ખોરાક અને સલામત રહેઠાણ પર આધારિત છે. જેના માટે જોઇએ યજમાન છોડ અને મધુરસ છોડ. આપણી આસપાસ ઉપલબ્ધ જગ્યાના આધારે યજમાન છોડ (Host Plant) કે જેના પર માદા પતંગિયું ઈંડાં મૂકી વિકાસ પામે છે.
મધુરસ વનસ્પતિ (Nectar Plant) કે જેનાથી તે પુખ્તવયે વિકાસ પામે છે. તેને ધ્યાને રાખી ઘરઆંગણે એક નાનો બટરફલાય ગાર્ડન ઊભો કરી શકાય. ઘરઆંગણે લીંબુ, મીઠો લીમડો, કરેણ, સીતાફળ, બીલી, બારમાસી, બોરડી, લજામણી, આસોપાલવ, એક્ઝોરા, કરમદા, કેસૂડો, ખેર, સપ્તપર્ણી, બદામ, બોગાનવેલ, તુવેર, ટેકોમા, આકડો, ગલતોરા, ગરમાળો વિગેરે વાવી પતંગિયા આકર્ષી શકાય છે.
પ્લેન ટાઇગર અને ડેનાઇડ એગફ્લાય પોતાના રક્ષણમાં પારંગત છે
પ્લેન ટાઇગર જાતિનાં પતંગિયાંની ખાસિયત એ છે કે એના શરીરમાં રહેલા ખાસ રસાયણોને લીધે શિકારીઓ એને ખાતા નથી. તેવી જ રીતે ડેનાઇડ એગફ્લાય જાતિનાં પતંગિયાં બિનઝેરી હોય છે. પરંતુ શિકાર તેમની નજીક આવે ત્યારે તે પોતાના રંગરૂપ ઝેરી પતંગિયાં જેવા કરી બચાવનો પ્રયાસ કરે છે. ડેનાઇડ એગફ્લાય પતંગિયા વન્ય જીવ સંરક્ષણ અધિ.1972થી સંરક્ષિત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.