તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:અબાસણામાં બોર પર સૂતેલા ખેડૂતના માથામાં બોથડ પદાર્થ મારી ક્રૂર હત્યા

મહેસાણા, વિજાપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હત્યા બાદ કાનમાંથી 40 હજારની સોનાની કડીઓ લૂંટી હત્યારા ફરાર
  • માથું છુંદી નાખ્યું, લાડોલ પોલીસે લૂંટના ઇરાદે હત્યાનો ગુનો નોંધ્યો

વિજાપુર તાલુકાના અબાસણા ગામની સીમમાં પોતાની માલિકીના બોર ઉપર ઉંઘી રહેલા ખેડૂતના માથામાં બોથડ પદાર્થ મારી માથુ છૂંદી નાખી બંને કાનમાંથી સોનાની કડીઓ લૂંટી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા હતા. લૂંટ વીથ મર્ડરની આ ઘટના અંગે લાડોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અબાસણા ગામના 70 વર્ષીય સવાજી ગલાજી ઠાકોર પોતાના ખેતરમાં બનાવેલા બોરવેલની ઓરડી બહાર ગુરૂવારે રાત્રે ઉંઘી ગયા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સો સવાજીના માથામાં બોથડ પદાર્થ મારી તેમજ માથાના ભાગને છૂંદી નાખી હત્યા કરી નાખી હતી. વૃદ્ધની હત્યા કર્યા બાદ બંને કાનમાં પહેરેલી સોનાની મરચીઓ (કડીઓ)ની લૂંટ કરી છે.

પરિવારે પોલીસને જાણ કરતાં બનાવની ગંભીરતાને લઈ લાડોલ પોલીસ બાદ એસપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીવાયએસપી એ.બી. વાળંદ તેમજ એલસીબી સહિતની એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે, હત્યા પાછળનું રહસ્ય મોડી સાંજ સુધી અકબંધ રહ્યું છે. મૃતકના પુત્ર પ્રહલાદજી ઠાકોરની ફરિયાદ આધારે લાડોલ પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યા તેમજ રૂ.40 હજારના દાગીનાની લૂંટનો ગુનો નોંધ્યો છે.

હત્યાને લૂંટમાં ખપાવવા પ્રયાસ કરાયો? તર્ક-વિતર્ક
આધેડ ખેડૂતની ક્રૂર હત્યા કોણે કરી તેની પોલીસ તપાસ કરી રહી છે. જોકે, હત્યા લૂંટ માટે કરવામાં આવી છે કે પછી તેને લૂંટમાં ખપાવવા પ્રયાસ કરાયો છે તેને લઇ અનેક તર્ક વિતર્ક ખડા થયા છે. પોલીસે ડોગ સ્કવોડ, એફએસએલ સહિતની મદદથી હત્યારાઓની શોધખોળ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...