હુકુમ:લમ્પીના કેસ વધતાં મહેસાણા જિલ્લામાં પશુઓની હેરાફરી પર પ્રતિબંધ લદાયો

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે વધુ 403 કેસ સામે આવ્યા, 16 પશુઓ મોતને ભેટ્યાં
  • અત્યાર સુધીમાં​​​​​​​ 4319 કેસ પૈકી 1790 રિકવર, 149 પશુનાં મોત થયાં છે

મહેસાણા જિલ્લામાં લમ્પી વાયરસના વધતા જતા સંક્રમણને લઇ પશુઓની હેરાફેરી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મંગળવારે વધુ 403 કેસ સામે આવ્યા હતા. તો 480 પશુ સાજા થયાં હતાં. 16 પશુનાં મોત થયાં હતાં. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઇન્દ્રજીતસિંહ વાળાએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામામાં રાજ્ય, જિલ્લા, તાલુકા કે એક ગામથી બીજા ગામમાં પશુઓની હેરાફેરી પર પ્રતિબંધ તેમજ પશુમેળા, વેપાર, પ્રદર્શન અને એક સ્થળે એકઠાં કરવા, રોગચાળામાં મૃત્યુ પામેલા પશુઓની હેરફેર અને ખુલ્લામાં છોડવા પર પ્રતિબંધ લદાયો છે.

સંજોગોવસાત પશુની હેરફેર કરવી જ પડે તો 14 દિવસ સુધી અન્ય પશુઓથી હેરફેર કરાયેલા પશુ દૂર રાખવા પશુપાલકોને જણાવવામાં આવ્યું છે. આ જાહેરનામાનું પાલન 4 ઓક્ટોબર સુધી કરવાનું રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ સાથે તમામ વહિવટી તંત્રને જાણ કરાઇ છે.જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. વી.એન. મકવાણાના જણાવ્યા મુજબ, 2,72,761 પશુઓને લમ્પી વાયરસનો એન્ટીડોઝ અપાઈ ચુક્યો છે. અત્યાર સુધીમાં લમ્પીના કુલ 4319 કેસ નોંધાયા છે. જે પૈકી 1790 પશુ સ્વસ્થ થયા છે. જ્યારે 149 પશુઓનાં મોત થયાં છે. હાલ લમ્પીગ્રસ્ત 2440 પશુઓ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...