બેદરકાર તંત્ર:માનવ આશ્રમ પાસે સ્ટ્રીટલાઇટનો કેબલ નાખવા 30 મીટર RCC રોડ તોડી નાખ્યો

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોલ બોરિંગથી કેબલ પસાર કરવાના બદલે રોડ તોડતાં લોકોમાં ટીકા

મહેસાણાના માનવ આશ્રમ સર્કલ તરફથી ચિરાગ પ્લાઝા તરફ 30 મીટર જેટલો આરસીસી રોડ સ્ટ્રીટ લાઇટનો કેબલ નાંખવા તોડી નખાયો હતો. રોડમાં હોલ બોરિંગથી અંડર ગ્રાઉન્ડ કેબલ પસાર થઇ શકે તેમ હોવા છતાં રોડ તોડાતાં લોકોમાં કામગીરી ટીકાપાત્ર બની છે. એજન્સી દ્વારા માનવ આશ્રમ સાઇડ સ્ટ્રીટ લાઇટના 10 પોલ બંધ હોઇ કેબલ બદલવાની કામગીરી હાથ ધરાઇ હતી. મોટાભાગે શહેરમાં અંડર ગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં બોરિંગ કરવામાં આવે છે, છતાં અહીં રોડ તોડી કેબલ નખાયો હતો.

વિસ્તારના ઇલેકટ્રીસીટીના જાણકાર રાકેશ પ્રજાપતિએ કહ્યું કે, આ રોડ 5 વર્ષમાં એકપણ વખત તૂટ્યો નથી. અહીં હોલ બોરિંગથી કેબલ પસાર થઇ શકે. રોડના ખૂણામાં હોલ પાડી કેબલ પસાર કર્યો હોત તો રોડ તોડવો ન પડે. નિયમ પ્રમાણે 90 સેન્ટીમીટર ઊંડો કેબલ હોવો જોઇએ તેના બદલે 10 થી 20 સેન્ટીમીટર ઊંડાઇમાં કેબલ નંખાય છે. એટલે કે, નિયમ વિરુદ્ધ કેબલ નાખવા સાથે રોડને પણ નુકસાન થઇ રહ્યું છે. આ અંગે નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ શાખાના સૂત્રોએ કહ્યું કે, એક જ ભાગમાં પાવર ન જતાં કેબલ નેટવર્ક કરાયું છે. મોટાભાગે હોલ બોરિંગથી કામ કરાય છે.

મોઢેરા રોડ સ્વામિ.મંદિરથી નેળિયા તરફ 5 પોલ બંધ
મોઢેરા રોડ સ્વામિનારાણ મંદિરથી નાગલપુરના નેળિયા તરફ જતાં સોસાયટીઓને જોડતા રસ્તામાં સ્ટ્રીટ લાઇટના કેબલમાં ફોલ્ટ થતાં 5 જેટલા પોલ બંધ હાલતમાં છે. પાલિકાની ટીમ દ્વારા બે દિવસમાં નવો કેબલ નાંખી પુન: સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા પ્રક્રિયા હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...