તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમાજની આંખ ઉઘાડતો કિસ્સો:ઊંઝાથી રાજસ્થાન ભગાડી જવાયેલી 13 વર્ષની કિશોરી 3 વર્ષ બાદ મળી ત્યારે બે દિવસનું નવજાત બાળક સાથે હતું!

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છેલ્લા 6 માસમાં ગુમ થયેલી 19 કિશોરીને પોલીસ પરત લાવી
  • મહેસાણા એસઓજી અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા જિલ્લામાં ગુમ થયેલાં બાળકો, સગીરાઓને શોધવા અભિયાન
  • કોઈપણ પ્રકારના પરિચય વગર ઘરેથી ભાગી જતી દીકરીઓ માટે લાલબત્તી સમાન કિસ્સા, પાછળથી પસ્તાવા સિવાય આરો નથી હોતો

મહેસાણા એસઓજી અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે છેલ્લા 6 મહિનામાં જિલ્લામાં ગુમ થયેલાં બાળકો, બાળકીઓ તેમજ સગીર વયની કિશોરીઓની ટીમ બનાવીને શોધખોળ હાથ ધરી હતી. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ જેવાં રાજ્યોમાં તેમજ ગુજરાતના સુરત, બનાસકાંઠા, અમદાવાદ, રાજકોટ સહિતના જિલ્લામાંથી 19 કિશોરીને શોધીને વાલી વારસોને સોંપી છે.

લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારની 5, મહેસાણા શહેર બી-ડિવિઝન વિસ્તારની 3, લાડોલ વિસ્તારની 2, એ-ડિવિઝન, ઊંઝા, બાવલુ, હારીજ, વીસનગર તાલુકા, ખેરાલુ, મહેસાણા તાલુકા, કડી અને વડનગર વિસ્તારની 1-1 સગીર વયની કિશોરીઓને શોધી કાઢી છે, જેમાં ઊંઝાનો કિસ્સો આંખ ઉઘાડનારો છે. ઊંઝા શહેરમાંથી રાજસ્થાની યુવક 13 વર્ષની કિશોરીને ભગાડી જતાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. જોકે 3 વર્ષ બાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને કિશોરી બે દિવસના નવજાત બાળક સાથે મળી આવી હતી. આમ, ભોગ બનનાર દીકરીનાં માતા-પિતા પર જાણે કે આભ તૂટી પડ્યું હોય એવી સ્થિતિ સર્જાઇ હતી.

કિસ્સો-1: ઉત્તરપ્રદેશનું લોકેશન મળતાં નાગલપુરની કિશોરીને આરોપી સાથે શોધી કાઢી
દેદિયાસણ જીઆઈડીસીમાં કામ કરતો ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાનો યુવક નાગલપુરની સગીર વયની કિશોરીનું અપહરણ કરીને ભાગી ગયો હતો, તેથી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. એસઓજી અને એએચટીયુની ટીમે આરોપીનું ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના પરાસિયામાંથી લોકેશન મેળવી કિશોરી સાથે આરોપીને ઝડપી લીધો હતો.

કિસ્સો-2 : બંધ કરી દીધેલો મોબાઇલ એક દિવસ એક્ટિવેટ થયો ને મહેસાણા પોલીસ 800 કિમી દૂર જયપુરના ગામે પહોંચી, સગીરાને બાળક સાથે ખાનગી એમ્બ્યુલન્સમાં ઘરે લાવી
ઊંઝા શહેરના એક વિસ્તારમાંથી રંગુડિયો વણઝારા નામનો યુવક 13 વર્ષની કિશોરીને ભગાડી જતાં ઊંઝા પોલીસ સ્ટેશનમાં કિશોરીના ગુમ થવાની ફરિયાદ નોંધાઈ હતી. કિશોરીને ભગાડી જવાની સાથે જ આરોપીએ મોબાઈલ બંધ કરી દેતાં કિશોરીની ભાળ મેળવવી પોલીસ માટે અઘરી સાબિત થઈ હતી. તાજેતરમાં આ યુવકનો મોબાઈલ એક જ દિવસ માટે એક્ટિવેટ થતાં મહેસાણા એસઓજી અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ બી.એચ.રાઠોડ અને તેમની ટીમને જાણ થઈ હતી. એસઓજી અને એએચટીયુની ટીમે રાજસ્થાનના ભીલવાડામાં સિમકાર્ડનું લોકેશન ટ્રેસ કરીને આરોપીના સંબંધીને ઝડપી લીધો હતો.

ત્યાર બાદ તેના માધ્યમથી પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હતી. મહેસાણાથી 800 કિલોમીટર દૂર જયપુરના કોટપૂતલી પોલીસ સ્ટેશનની હદના એક ગામની ઝૂંપડપટ્ટીમાં રહેતી કિશોરીનો પોલીસે પત્તો મેળવી લીધો હતો. જોકે કિશોરીની હાલત જોઈને પોલીસકર્મચારીઓ ચોંકી ગયા હતા. કિશોરીએ બે દિવસ અગાઉ જ બાળકને જન્મ આપ્યો હોવાથી નવજાત બાળક સાથે કિશોરીને લઈ જવા માટે પોલીસ વિમાસણમાં મુકાઈ ગઈ હતી. છેવટે પ્રાઈવેટ એમ્બ્યુલન્સ કરીને નવજાત બાળક, કિશોરીને આરોપી સાથે ઊંઝા લાવીને એએચટીયુની ટીમે કિશોરીને વાલીવારસોને સોંંપી હતી. 3 વર્ષ બાદ કિશોરી મળતાં માતા-પિતા માટે આનંદના સમાચાર હતા, પરંતુ તેણે બાળકને જન્મ આપ્યો હોવાથી માતા-પિતા માટે કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો.

કિસ્સો-3 : લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારની કિશોરી 4 વર્ષે રાજકોટમાંથી મળી
લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 4 વર્ષ અગાઉ કિશોરીનું અપહરણ કરી યુવક ભગાડી ગયો હતો. ચાર વર્ષ બાદ એએચટીયુ અને એસઓજી ટીમના ટેક્નિકલ સર્વેલન્સમાં આરોપીનું રાજકોટ જિલ્લામાં લોકેશન મળતાં એએચટીયુ અને એસઓજીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જ્યાંથી કિશોરી સાથે આરોપીને ઝડપી લીધો હતો. ચાર વર્ષ બાદ કિશોરી મળતાં તેના વાલી વારસોમાં આનંદ હતો, પરંતુ સગીર વયમાં જ અપહરણ થયા બાદ કોઈપણ પ્રકારના લગ્ન વગર જ સગીરા પરત ફરતાં સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો હતો.