તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાયર સેફ્ટી સુવિધાની તપાસ:મહેસાણા જિલ્લાની 90 ટકા કોવિડ હોસ્પિટલો પાસે ફાયર NOC નથી

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટની ઘટના બાદ 25 કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સુવિધા ચકાસવા આદેશ
  • કલેકટરે ફાયર ઓફિસર સહિત 4 અધિકારીની ટીમ બનાવી 3 દિવસમાં તપાસ અહેવાલ માગ્યો

અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગની દુર્ઘટના બાદ મહેસાણામાં ફાયર સેફ્ટી સંબંધે કરેલી તપાસમાં શહેરની માત્ર 3ને બાદ કરતાં 102 હોસ્પિટલોમાં ફાયરની સુવિધા ન હોવાનું ખુલ્યું હતું. આમ છતાં માત્ર નોટિસો આપીને સૂઇ ગયેલું તંત્ર હવે રાજકોટની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ બાદ ફરી જાગ્યું છે. શનિવારે જિલ્લા કલેક્ટરે જિલ્લાની સરકારી અને ખાનગી 25 કોવિડ હોસ્પિટલોમાં ફાયર સંબંધી ચકાસણી કરવા 4 અધિકારીની ટીમ બનાવી 3 દિવસમાં અહેવાલ માગ્યો છે.

25 કોવિડ હોસ્પિટલોના આઇસીયુ રૂમોમાં હાલ 150થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, ત્યારે હોસ્પિટલોમાં અપૂરતી ફાયર સુવિધાને લઇ તેમની સલામતીના મુદ્દે અનેક સવાલો ઊઠ્યા છે. ત્યારે કલેકટર એચ.કે.પટેલે મહેસાણાની સાંઇક્રિષ્ણા હોસ્પિટલ, વડનગર સિવિલ હોસ્પિટલ, વિસનગરની નૂતન હોસ્પિટલ સહિત 25 કોવિડ હોસ્પિટલોમાં ફાયરની સુવિધાની તપાસ માટે આદેશ કર્યા છે.

હોસ્પિટલોની તપાસ માટે મહેસાણા નગરપાલિકાના ફાયર ઇન્સપેક્ટર હરેશભાઇ પટેલ, પીઆઇયુના ઇલેકટ્રીકલ ઇજનેર, યુજીવી સીએલના કાર્યપાલક ઇજનેર અને આસી. ઇલેકટ્રીકલ ઇન્સપેક્ટર એમ 4 અધિકારીની ટીમ બનાવી છે. જે 3 દિવસમાં તપાસ અહેવાલ કલેક્ટરને સુપરત કરશે. સાથે તમામ કોવિડ હોસ્પિટલોને એનઓસી મેળવી દર માસની 6 તારીખે ફાયર સેફ્ટી મોકડ્રીલ કરવા સૂચના આપી છે.

મહેસાણાની 102 હોસ્પિટલોને પાલિકાએ નોટિસ આપી હતી
અમદાવાદની હોસ્પિટલમાં આગની દુર્ઘટના બાદ મહેસાણા નગરપાલિકાએ ફાયર સુવિધા વિનાની 102 હોસ્પિટલોને નોટિસો આપી હતી અને અમદાવાદની ઘટના ભૂલાતાં ફાયર સુવિધા પણ ભૂલાઇ ગઇ હતી. પરંતુ રાજકોટની ઘટના બનતાં પુન: હોસ્પિટલોમાં ફાયરની સુવિધાનો મુદ્દો ઉછળતાં તંત્રએ ફરી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...