મહેસાણા શહેરમાં મોઢેરા રોડ પર અવસર પાર્ટી પ્લોટથી રાધે એક્ઝોટીકા સ્કૂલ સુધી રૂ. 80 લાખના ખર્ચે 650 મીટરનો રોડ 12 મીટર પહોળો કરવામાં આવનાર છે. આ રોડ ડેવલપ કરતાં પહેલાં જાહેર રસ્તામાં આવતાં કમ્પાઉન્ડ વોલ, ઓટલા, દીવાલ, ઓરડી સહિતનાં 9 દબાણો બે દિવસમાં દૂર કરવા નગરપાલિકાએ 9 લોકોને નોટિસ આપી છે.
નગરપાલિકાના સૂત્રોએ કહ્યું કે, અવસર પાર્ટી પ્લોટથી રાધે એક્ઝોટીકા સુધી રસ્તામાં કેટલીક જગ્યાએ 8 થી 10 મીટરનું દબાણ (બાંધકામ) થયેલું છે. જ્યાં ડિમાર્કિગ કરાયું છે. જાહેર રસ્તામાં આવા 9 સ્થળે ગેરકાયદે બાંધકામ દૂર કરવા નોટિસ આપી છે.
દબાણ સ્વેચ્છાએ દૂર કરવામાં નહીં આવે તો પાલિકા દબાણકારોના ખર્ચે અને જોખમે દૂર કરશે. નગરપાલિકા દ્વારા 650 મીટર અંતરનો રોડ 12 મીટર પહોળાઇ પ્રમાણે માપણી કરાયા પછી મંગળવારે ફરી પાલિકાની ટીમ દ્વારા આ રોડની માપણી કરાઇ હતી. જ્યાં ધારાસભ્ય મુકેશભાઇ પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલના પતિ મુકુંદભાઇ પટેલની હાજરીમાં પાલિકા, યુવીસીએલના ઇજનેરો સહિતની ટીમે સોસાયટીઓના રહીશો સાથે ડી-માર્કિંગ અંગે પરામર્શ કર્યું હતું.
રસ્તા પૈકીના આ ગેરકાયદે બાંધકામો દૂર કરાશે
અવસર પાર્ટી પ્લોટની બહાર બનેલી ઓરડી, સિલ્વર ઓઝોન ફ્લેટની કમ્પાઉન્ડ વોલ, સીલીકોન વેલીની બહાર બનેલ પ્લાન્ટેશનનો ભાગ, નવરંગ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ (સીલીકોન વેલીની આગળ આવતી) તથા ગેટ, અંબે વિલા વ્રજભૂમિ બંગ્લોઝ મકાન નં.1 તથા 14ની કમ્પાઉન્ડ વોલ (માર્જીનવાળો ભાગ), વ્રજભૂમિ બંગ્લોઝ માર્જીન કમ્પાઉન્ડ વોલ, પંદર ગોળ સમાજની વાડીની દીવાલ, પ્રાર્થના રેસીડન્સીની કમ્પાઉન્ડ વોલ, એક્ઝોટીકા સ્કૂલ નજીક સ્વામિનારાયણ મંદિરની કમ્પાઉન્ડ વોલ (ઓટલો) દૂર કરવા નોટિસ અપાઇ છે. પાલિકાના સૂત્રોએ કહ્યું કે, સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તાઓએ સામેથી રસ્તા પૈકી આવતો ઓટલો દૂર કરવા તૈયારી દર્શાવી હતી.
રાધનપુર-મોઢેરા રોડને જોડતો લીંક રોડ 3000થી વધુ લોકોને સીધો ઉપયોગી થશે
રાધનપુર રોડ રાધે એક્ઝોટિકાથી મોઢેરા રોડ અવસર પાર્ટી પ્લોટ સુધી શોર્ટકટ લિંક રોડ 12 મીટર પહોળો બની રહ્યો છે. આ બંને વિસ્તાર વચ્ચે 17 સોસાયટી અને ફ્લેટમાં અંદાજે 3000થી વધુ લોકોનો વસવાટ છે. જેમને આવન જાવનમાં આ રોડ સીધો ઉપયોગી બની રહેશે. આ ઉપરાંત, રાધનપુર રોડ- મોઢેરા રોડને જોડતો આ લીંક રોડ કમળપથને પણ સ્પર્શતો હોઇ 25 હજારથી વધુ લોકોને અવરજવર માટે ઉપયોગી બનશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.