રોગચાળાની ભીતિ:મહેસાણામાં નવી કારકુન ચાલીમાં રહેતાં 80 પરિવારો ગટરની સમસ્યાથી ત્રસ્ત, મહિલાઓનો પાલિકામાં રોષ

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અસહ્ય દુર્ગંધ ફેલાતી હોઇ રહીશોમાં રોગચાળાની ભીતિ

મહેસાણા બિલાડી બાગ નજીક નવી કારકુન ચાલીમાં છેલ્લા ત્રણ મહિનાથી અવારનવાર ગટરના ગંદા પાણી ઉભરાઇને બહાર ફેલાતાં અહીં રહેતા 80 પરિવાર તોબા પોકારી ઉઠ્યા છે. ગંદા પાણીનો નિકાલ નહીં થવાના કારણે અસહ્ય દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી રોગચાળાની ભીતિ અનુભવતી મહિલાઓ શુક્રવારે નગરપાલિકા દોડી આવી હતી અને ડ્રેનેજ શાખામાં ઉગ્ર રજૂઆત કરી હતી.

શહેરમાં ગટરલાઇન નેટવર્કમાં સુચારૂ રીતે ગંદા પાણી નિકાલની વ્યવસ્થામાં નગરપાલિકા ઉદાસીન બની રહી છે. થોડા દિવસો પહેલાં ભૂગર્ભ ગટર શાખાના ચેરમેનના જ વિસ્તારમાં માર્કેટયાર્ડ નજીકની સોસાયટીઓમાં ગટરનું પાણી ઉભરાતાં રહીશો તોબા પોકારી ઉઠ્યા હતા. ત્યાં નવી કારકુન ચાલીમાં ગટરો ઉભરાવાની સમસ્યાએ માથું ઉંચકતા રહીશો ત્રસ્ત થયા છે.

નગરપાલિકા ડ્રેનેજ શાખામાં રજૂઆત કરવા આવેલી મહિલાઓએ કહ્યું કે, ગટરલાઇનની સફાઇ કરાતી નથી, જેથી વારંવાર ગટરની કુંડીથી ગંદું પાણી ઉભરાઇને ભરાઇ રહે છે અને તેમાં મચ્છરો થતાં બાળકોને તકલીફ પડી રહી છે. ઘરના બાથરૂમમાંથી પાણી નિકાલ થતો નથી. શોષકૂવા ભરાઇ ગયેલા છે. ત્રણ મહિનાથી મુશ્કેલી છે, પણ ગટરના પાણીનો નિકાલ ન થતાં અસહ્ય દુર્ગંધ ફેલાતાં હેરાન છીએ.

અન્ય સમાચારો પણ છે...