પસંદગી માટે કવાયત:જિલ્લાની 7 વિધાનસભામાં કોંગ્રેસમાં ચૂંટણી લડવા 79 મુરતિયા તૈયાર થયા

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ કડી માટે 17, મહેસાણામાં 15, વિસનગર અને બહુચરાજીમાં 14-14, ઊંઝા અને ખેરાલુમાં 9-9 તેમજ વિજાપુરમાં એકે જ ટિકિટ માગી

વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના મહિના બાકી છે, ત્યારે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે રવિવારે મહેસાણા સરકીટ હાઉસ ખાતે જિલ્લાની 7 વિધાનસભા દીઠ ચૂંટણી લડવા ઇચ્છુકો પાસેથી બાયોડેટા મેળવ્યા હતા. કુલ 79 ઉમેદવારોએ ટિકિટ માટે દાવો કર્યો છે. જેમાં સૌથી વધુ કડી માટે 17, મહેસાણા માટે 15, વિસનગર માટે 14, બહુચરાજીમાં 14, ઊંઝામાં 9, ખેરાલુમાં 9 અને વિજાપુરમાં એક ઉમેદવારે ટિકિટ માગી હોવાનું મીડિયા સેલના સૂત્રોએ જણાવ્યું હતું.

મહેસાણા જિલ્લામાં વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓ પ્લેટફોર્મ બનાવવા લાગી છે. આવામાં પક્ષમાંથી ટિકિટ માટે સંભવિતોએ લોબિંગ પણ શરૂ કરી દીધું છે. કોંગ્રેસ દ્વારા રવિવારે જિલ્લાની સાતેય વિધાનસભા સીટ માટે ઉમેદવારોના બાયોડેટા લેવાયા હતા. સરકીટ હાઉસમાં જિલ્લા પ્રમુખ રણજિત ઠાકોર અને પ્રભારી ગીતાબેન પટેલ સમક્ષ વિધાનસભા ચૂંટણી લડવા માગતાં કાર્યકરોએ તેમની રાજકીય કારકિર્દી સાથે બાયોડેટા સુપરત કર્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારી આ બાયોડેટા હવે પ્રદેશ સમિતિને મોકલી આપશે. જ્યાં સ્ક્રૂટિની બાદ ત્રણ નામોની પેનલ બનાવી કેન્દ્રીય ચૂંટણી સમિતિને મોકલી અપાશે. કોંગ્રેસ દ્વારા આ વર્ષે ઉમેદવારોની યાદી વહેલી જાહેર કરવા અત્યારથી કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...