બેદરકારી:સ્માર્ટકાર્ડના અભાવે RTOમાં 7860 ડ્રાઇવિંગ લાયસન્સ પેન્ડિંગ

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • લાયસન્સ પ્રિન્ટ કરવા કાર્ડનો સ્ટોક નહીં ફાળવાતાં છેલ્લા 68 દિવસથી એકપણ વાહનચાલકને લાયસન્સ મળ્યું નથી
  • વાહનચાલકો લાયસન્સ માટે રોજ ધક્કા ખાઇ રહ્યા છે
  • 15 માર્ચ બાદ એકપણ વખત કાર્ડનો જથ્થો અપાયો નથી

છેલ્લા સાડા 5 મહિનાથી મહેસાણા સહિત રાજ્યભરની આરટીઓને ડ્રાઇવિંગ લાયસન્સના પ્રિન્ટ માટેનો કાર્ડનો સ્ટોક અનિયમિત મળી રહ્યો છે. એમાં પણ 15 માર્ચ બાદ એકપણ વખત સ્ટોક ન મળતાં 68 દિવસમાં 7860 ડ્રાઇવિંગ લાયસન્સ પેન્ડિંગ રહ્યા છે. જેને લઇ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનચાલકો રોજબરોજ આરટીઓમાં ધક્કા ખાઇને પાછા જાય છે.

ગત ડિસેમ્બર, 2021 થી મહેસાણા સહિત રાજ્યભરની આરટીઓ કચેરીને ડ્રાઇવિંગ લાયસન્સના પ્રિન્ટ માટેનો કાર્ડનો સ્ટોક અનિયમિત અને અપૂરતો મળી રહ્યો છે. મહેસાણા આરટીઓમાં છેલ્લા સાડા 5 મહિનામાં નવા ડ્રાઇવિંગ લાયસન્સ સાથે ડુપ્લીકેટ, સુધારા, રિન્યુ સહિતના કુલ 23,860 લાયસન્સ ઇસ્યુ થયા છે. તેની સામે લાયસન્સની પ્રિન્ટ માટે ટુકડે ટુકડે 16 હજાર કાર્ડનો જ સ્ટોક મળ્યો છે.

એમાં પણ ગત 15 માર્ચ બાદ એટલે કે છેલ્લા 68 દિવસમાં એક પણ વખત કાર્ડનો સ્ટોક મળ્યો નથી. જેના કારણે 7,860 લાયસન્સ આરટીઓમાં તૈયાર હોવા છતાં પ્રિન્ટિંગના અભાવે વાહન ચાલકો સુધી પહોંચી શક્યા નથી. જેના કારણે વાહન ચાલકો છતાં લાયસન્સએ પણ દંડનીય કાર્યવાહીના ભયે વાહન ચલાવી શકતા નથી. જો કોઇ અરજદાર લાયસન્સ વગર પકડાય તો દંડ ભરવાની વારો આવે છે.

બીજી બાજુ અકળાયેલા વાહન ચાલકો લાયસન્સ મેળવવા આરટીઓના ધક્કા ખાઇ રહ્યા છે. એમાં પણ વારંવારના ધક્કાથી કંટાળેલા અરજદારો અને આરટીઓના સ્ટાફ વચ્ચે શાબ્દીક રકઝક થઇ રહી છે. આરટીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર, કાર્ડનો સ્ટોક ક્યારે મળશે તેની કોઇ જાણ નથી. જેને લઇ હજુ પેન્ડિંગ લાયસન્સની સંખ્યામાં વધારો થઇ શકે છે.

ઓનલાઇન મેળવેલી લાયસન્સ પ્રિન્ટ માન્ય ગણાય છે : આરટીઓ
એમ પરિવહન અને ડીજીલોકરમાં ડિજીટલ સ્વરૂપે મુકેલું ડ્રાઇવિંગ લાયસન્સ માન્ય છે. આ ઉપરાંત જે અરજદારોએ ડ્રાઇવિંગ લાયસન્સનો ફાઇનલ ટેસ્ટ પાસ કર્યો છે. પરંતુ તેમને લાયસન્સનું સ્માર્ટકાર્ડ નથી મળ્યું તેવા વાહન ચાલકો સારથી પોર્ટલ પર જઇ પ્રિન્ટ ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તેમના મોબાઇલ નંબર પર મળેલા એપ્લીકેશન એપ્રુવલ એસએમએસ લીંક પરથી ઓનલાઇન ડ્રાઇવિંગ લાયસન્સની એ-4 સાઇઝની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકે છે. ડાઉનલોડ કરેલી પીડીએફ મોટર વ્હીકલ રૂલ્સ, 1989 અંતર્ગત માન્ય છે.

સામાન્ય સ્થિતિમાં વધુમાં વધુ 15 દિવસમાં ડ્રાઇવિંગ લાયસન્સ મળતું હતું
વાહન ચાલક ફાઇનલ ટેસ્ટ આપે, રિન્યુ, ડુપ્લીકેટ કે સુધારાની પ્રોસેસના ત્રીજા દિવસે લાયસન્સ પ્રિન્ટ થતું હતું. પ્રિન્ટ થયેલું લાયસન્સ વધુમાં વધુ 7 થી 10 દિવસમાં પોસ્ટ મારફતે જે-તે વાહન ચાલકને તેના ઘરે મળી જતું હતું.

અન્ય સમાચારો પણ છે...