કોલેજોમાં મતદાર તરીકેની લાયકાત ધરાવતા યુવાનોને મતદાર યાદીમાં નામ નોંધણી કરવા પ્રેરણા આપવા સહિત લોકજાગૃતિ કેળવવા ચૂંટણી પંચની સૂચનાના પગલે દર વર્ષની જેમ આ વર્ષે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં બિન રાજકીય 72 છાત્રોને કેમ્પસ એમ્બેસેડર તરીકે જિલ્લા કલેક્ટર દ્વારા નિયુક્તિ કરાઇ છે. ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે 62 છાત્રોને કેમ્પસ એમ્બેસડર બનાવાયા હતા. આ વર્ષે 10નો વધારો કરાયો છે.
મતદાર તરીકે નોંધણી તથા મતદાન મથક પર મતદાન માટે ઉપલબ્ધ કરાવાતી સુવિધાની બાબતો લોકો સુધી પહોંચાડવા માટે યુનિ. કેમ્પસ અને કોલેજોમાં અભ્યાસ કરતા શૈક્ષણિક પ્રતિભા સંપન્ન છાત્રોને કેમ્પસ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવા ચૂંટણી પંચે સૂચના આપી હતી. જેને પગલે તાજેતરમાં જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ દ્વારા મહેસાણા, કડી, વિજાપુર, વિસનગર, ખેરાલુ, સતલાસણા, બાસણા, ભાન્ડુ, બહુચરાજી, શંખલપુર, ગોઝારિયા સહિતની 35 કોલેજોમાં કુલ 72 કેમ્પસ એમ્બેસેડર નિયુક્ત કરાયા છે.
જેમને કામગીરી અંગેની તાલીમથી સજ્જ કરાશે.જિલ્લા ચૂંટણી તંત્રના સૂત્રોએ કહ્યું કે, કેમ્પસ એમ્બેસેડર કોલેજોમાં યુવાઓનો મતદાર યાદીમાં નોંધણી થાય તે માટે પ્રયત્નો કરશે. યુવાઓ અને તેમના કુટુંબના સભ્યોના મતદાર તરીકેની લાયકાત ધરાવતા તમામના નામ મતદાર યાદીમાં નોંધાય તે સુનિશ્ચિત કરવા, યુવાઓને સોશિયલ મીડિયાના માધ્યમથી ચૂંટણી પ્રક્રિયામાં સાંકળવા સહિતની કામગીરી કરશે.
શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડરનું સન્માન કરાશે
એકંદરે મૂલ્યાંકન કરી શ્રેષ્ઠ કેમ્પસ એમ્બસેડરને જિલ્લા અને રાજ્ય કક્ષાએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડર જાહેર કરી રોકડ તથા પ્રમાણપત્ર સાથે સન્માનિત કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.