પાટણ માર્કેટયાર્ડમાં અંબિકા શાકમાર્કેટમાં ગુરુવારે તોલમાપ વિભાગની ટીમે દરોડા કરીને હોલસેલ શાકભાજી વેચાણના ઇલેકટ્રિક વજન કાંટાની તપાસ કરી હતી. જેમાં 32 એકમોમાં ઇલેક્ટ્રિક વજન કાંટા તોલમાપવિભાગથી સર્ટિફાઇડ કરાવ્યા વગર જ ઉપયોગમાં લેવાઇ રહ્યા હોવાનું ધ્યાને આવતા આ તમામ 32 કેસમાં વેપારી પાસેથી દંડ વસુલાત કરાઇ હતી.
રાજ્યના તોલમાપ વિભાગના નાયબ નિયંત્રક એન.એમ.રાઠોડની સીધી દેખરેખ હેઠળ મહેસાણા અને પાટણના તોલમાપ અધિકારી એસ.વી. પટેલ સહિતની ટીમ દ્વારા ગુરુવારે પાટણ એપીએમસીમાં આવેલ અંબિકા શાકમાર્કેટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
દર વર્ષે વજન કાંટાની તોલમાપ વિભાગમાં સ્ટેમ્પિંગ સાથે કરાવવાની થતી ખરાઇ (સર્ટીફાઇડ) વગર જ આ વજન કાંટાનો માલસામાન વજનમાં ઉપયોગ કરાતો હોવાનું બહાર આવ્યુ હતું. સર્ટીફાઇડ રિન્યૂમાં ઉદાસિન 32 જેટલા વેપારીઓ સામે ધી ગુજરાત લીગલ મેટ્રોલોજી અમલવારી રૂલ્સ 2011ના નિયમ 14/24 અન્વયે રૂ. 500-500 લેખે કુલ રૂ. 16 હજાર પેનલ્ટી વસુલવામાં આવી હતી. આ અગાઉ મહેસાણા, વિસનગર, પાટણ, સિધ્ધપુર, સતલાસણા સહિતના માર્કેટયાર્ડોમાં ગત તા. 20 અને 22 ડિસેમ્બરે તોલમાપ વિભાગે દરોડા કર્યા હતા.
છેલ્લા 15 દિવસમાં બે જિલ્લાના યાર્ડોમાં તોલમાપ નિયમ ભંગમાં 72 કેસ કરાયા છે. મહેસાણા અને પાટણમાં ડિસેમ્બર દરમ્યાન તોલમાપ નિયમ ભંગના વિવિધ કુલ 80 કેસમાં રૂ. 92600 દંડ વસુલાયો છે. મહેસાણામાં 56 કેસ અને પાટણમાં 24 કેસનો સમાવેશ થાય છે. જિ લ્લામાં 40 અને પાટણ જિલ્લામાં 32 મળીને 72 કેસ માર્કેટયાર્ડમાં નોધાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.