ચિન્તેષ વ્યાસ
વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓ પૈકી અને એક સમયે હિમાલયથી પણ ઊંચી એવી અરવલ્લીની પર્વતમાળાની રચના કુદરતે લગભગ 300 કરોડ વર્ષ પહેલાં શરૂ કરી હતી. છેલ્લાં 100 કરોડ વર્ષના ધોવાણથી અરવલ્લીની પર્વતમાળાએ પોતાનું 90% અસ્તિત્વ ગુમાવ્યું છે. આજે વર્લ્ડ માઉન્ટ ડે પર અરવલ્લી પર્વતમાળાની રચનાના ઇતિહાસ અને તેના મહત્ત્વ વિશે કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાર્યન્મેન્ટલ સાયન્સ વિભાગના અધ્યક્ષ પ્રો.મહેશ ઠક્કર પાસેથી જાણીશું.
રચના : લગભગ 300 કરોડ વર્ષ પહેલાં ભારતીય ઉપખંડ અરવલ્લી ખંડ, બુંદેલ ખંડ, ઝારખંડ, ધારવાર જેવા અનેક ખંડોમાં વહેંચાયેલો હતો. દરેક ખંડ એકબીજાથી હજારો કિલોમીટર દૂર હતાં. જ્યારે પ્લેટોની હલચલન જેવી પ્રક્રિયાઓથી આ ખંડો એકબીજા સાથે જોડાઇ અને ભારતીય ઉપખંડ એક બન્યો. આ દરમિયાન ખંડો વચ્ચે આવેલા સમુદ્રમાં જમા થતાં ખડક સ્તરોના કારણે ગેડીકૃત પર્વતમાળાઓની રચના થઇ. લગભગ 290 કરોડ વર્ષ અગાઉ સમુદ્રની સપાટીથી ઉપર 7 થી 8 કિલોમીટર ઉપર ઊઠેલા ખડકોથી અરવલ્લીની પર્વતમાળા બની.
મહત્ત્વ : અરવલ્લીના ખડકો જળકૃત, અગ્નિકૃત અને વિકૃત એમ ત્રણેય પ્રકારના હોઇ ભરપૂર ખનીજો જોવા મળે છે અને તેની આર્થિક અગત્યતા અનેક ગણી છે. અહીં મળતા અબરખ, ઝીંક તથા સીસાના ખનીજો સમગ્ર વિશ્વમાં મહત્ત્વ ધરાવે છે. હડપ્પન કાળમાં પણ અહીંથી ઝીંક, તાંબુ, સીસુ સહિતના ખનીજોને ખોદી કાઢવામાં આવતાં હતા. જેના પ્રમાણ પુરાતત્વીય અવશેષોમાં મળી આવે છે. 2 લાખ વર્ષ પહેલાં એટલે કે પથ્થર યુગમાં પણ આદિમાનવો અહીંના ક્વાર્ટઝાઇટ પ્રકારના ખડકોનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં કરતાં હતા.
અસ્તિત્વ : લગભગ 75 થી 90 કરોડ વર્ષ પૂર્વે ગર્ભ ભાગમાં આવેલા ગ્રેનાઇટ પ્રકારના ખડકો સપાટી પર આવતાં તારંગા, ઇડર અને માઉન્ટ આબુની પર્વતમાળાની રચના થઇ હતી. ગ્રેનાઇટ ખડકોની સખતાઇ વધુ હોવાથી તેની આસપાસના મુખ્યત્વે લાઇમસ્ટોન, શીસ્ટ અને સ્લેટ સહિતના ખડકોનું કાળક્રમે ખવાણ અને ધોવાણ થયું છે. જેને લઇ પર્વતમાળા 90 ટકા હિસ્સો ખોઇ બેઠુ છે. એટલે જ અરવલ્લીને મૃત પામી રહેલી પર્વતમાળા તરીકે ઓળખાય છે. પર્વતમાળાનો બચેલો 10 ટકા હિસ્સો અવશિષ્ટ પર્વતમાળા તરીકે પણ ઓળખાય છે.
જાણકારી : અરવલ્લી પર્વતમાળા ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને હરિયાણા સહિતના 4 રાજ્યો સુધી ફેલાયેલી છે. પર્વતમાળાની કુલ લંભાઇ લગભગ 670 કિલોમીટરની છે. હાલની સ્થિતિએ પર્વતમાળાનું સૌથી ઊંચુ શીખર માઉન્ટ આબુનું ગુરૂશિખર છે. જેની સુમદ્ર સપાટીથી કુલ ઊંચાઇ લગભગ 5650 ફૂટની છે. તેવી જ રીતે તારંગા હીલની ઊંચાઇ લગભગ 1532 ફૂટ અને ઇડરીયા ગઢની ઊંચાઇ લગભગ 1450 ફૂટની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.