મહેસાણા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભરાયેલા કુલ 22 ફોર્મની શુક્રવારે ચૂંટણી અધિકારી દ્વારા હાથ ધરાયેલી ચકાસણીમાં જિલ્લા કક્ષા વિભાગમાંથી એક અને ખેરાલુ તાલુકા વિભાગમાંથી એક મળી 2 ફોર્મ રદ થયા છે. ચકાસણીના અંતે માન્ય 20 ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરાઇ હતી. જેમાં તાલુકા વિભાગની 7 અને જિલ્લા વિભાગની 2 બેઠકો માટે એક-એક ફોર્મ હોઇ આ 9 બેઠકો બિનહરીફ થઇ છે. જોકે, તેની સત્તાવાર જાહેરાત ફોર્મ પરત લેવાની અંતિમ 8 ઓગસ્ટે હરીફ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતાં જાહેર થશે.
પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી કચેરી ખાતે ફોર્મની ચકાસણી દરમિયાન જિલ્લા કક્ષા વિભાગમાંથી એક જ વ્યક્તિએ 2 ઉમેદવારની દરખાસ્તમાં સહી કરી હોઇ તે પૈકી એક મંડળી મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપ. કન્ઝયુમર્સ ફેડરેશન લી. મહેસાણાના ઉમેદવાર પોપટલાલ શંકરલાલ પટેલના ફોર્મની દરખાસ્ત કરનારે દરખાસ્ત પરત ખેંચી લેતાં પોપટલાલ પટેલનું ફોર્મ ચકાસણીમાં રદ થયું હતું. જ્યારે ખેરાલુ તાલુકા વિભાગમાં કુડા સેવા સહકારી મંડળી બેંકમાં મુદત વીતી બાકીદાર હોવા અંગે રામજીભાઇ ચૌધરીએ વાંધો રજૂ કર્યો હતો.
જેથી કુડા સેવા સહકારી મંડળીના ઉમેદવાર શંકરભાઇ પ્રેમજીભાઇ ચૌધરીનું ફોર્મ રદ કરાયું હતું. એટલે કે, હવે 20 ફોર્મ માન્ય રહ્યા હતા. જેમાં તાલુકા વિભાગની 10 બેઠક માટે 15 ઉમેદવારો હાલ મેદાનમાં છે. જેમાં જોટાણા, વિજાપુર, વિસનગર, કડી, સતલાસણા, બહુચરાજી અને ઊંઝા તાલુકામાંથી એક-એક ફોર્મ ચકાસણીના અંતે માન્ય હોઇ આ 7 તાલુકા બેઠકો બિનહરીફ થઇ શકે છે. મહેસાણા તાલુકા વિભાગમાંથી 3, ખેરાલુ વિભાગમાંથી 2, વડનગર તાલુકા વિભાગમાંથી 3 ઉમેદવાર માન્ય રહ્યા છે. જિલ્લા કક્ષા વિભાગની બે બેઠક સામે માન્ય બે ઉમેદવાર રહ્યા હોઇ આ બંને બેઠક પણ બિનહરીફ થઇ શકે છે. નાગરિક બેંક વિભાગની 1 બેઠકમાં 2 ઉમેદવાર માન્ય રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.