ટ્રકચાલક સહિત 3 ઝબ્બે:ઇફ્કો કલોલથી રાજસ્થાન લઇ જવાતું 667 થેલી યુરિયા ખાતર ભાન્ડુપુરા વેરહાઉસમાંથી ઝડપાયું

મહેસાણાએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા એલસીબી પોલીસ ખાનગી બાતમી આધારે ત્રાટકી
  • રૂ.1.78 લાખનું યુરિયા ખાતર, ટ્રક, બે મોબાઇલ, રોકડ સહિત ~11.95 લાખનો મુદ્દામાલ જપ્ત

મહેસાણા એલસીબી પોલીસે ખાનગી બાતમી આધારે વિસનગર તાલુકાના ભાન્ડુપુરા થી જેતલવાસણા જતા રોડ ઉપર આવેલા મુકેશ વેરહાઉસમાં રેડ કરી હાથ ધરેલી તપાસમાં ઇફ્કો કલોલથી ટ્રકમાં ભરી રાજસ્થાન જઇ રહેલા યુરિયા ખાતરનો જથ્થો બારોબાર અમદાવાદ વેચાણ કરવાનું બહાર આવતાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી યુરિયા ખાતરની 667 બેગો, બે મોબાઇલ, ટ્રક મળી રૂ.11.95 લાખનો મુદ્દામાલ કબજે લઇ કુલ 6 શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

એલસીબીને નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ભાન્ડુપુરા હાઇવે થી જેતલવાસણા જતા રોડ પર આવેલા મુકેશ વેરહાઉસના ગોડાઉનમાં અનધિકૃત રીતે યુરિયા ખાતરનો જથ્થો પડ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રેડ કરતાં ગોડાઉનમાં પડેલી ટ્રક (જીજે 08 એયુ 5880)માંથી યુરિયા ખાતરની 155 બેગો તેમજ પાછળના ભાગે મજૂરોએ ઉતારેલી 512 બેગ મળી રૂ.1.78 લાખની કુલ 667 બેગો મળી આવી હતી.

આથી પોલીસે ટ્રક ડ્રાઇવર વાલારામ રૂપારામજી જાટ (રહે.ગીડા, જિ.બાડમેર), ક્લીનર બાબુરામ નરસિંગારામ (ધનાઉ, જિ.બાડમેર), ઠાકોર પોપટજી હેમરાજજી (ગોકળપુરા-તરભ)ને પકડી લીધા હતા. તેમની પૂછપરછ કરતાં યુરિયા ખાતરનો જથ્થો ઇફકો કલોલથી ટ્રકમાં ભરીને રાજસ્થાનના બામનોર ગૃપ સેવા સહકારી મંડળીમાં લઇ જવાનો હતો, પરંતુ ટ્રકમાલિક રાણારામ રૂપારામ જાટના કહેવા મુજબ ઠાકોર પોપટજી હેમરાજજીને વેચાણ આપ્યો હોવાનું તેમજ આ ખાતર અમદાવાદના કમલેશ દેવચંદભાઇ પટેલ અને મિતુલ રાજુભાઇને બિનઅધિકૃત રીતે વેચાણ કરવાનો હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે રૂ.1,77,755 લાખની 667 બેગ યુરિયા ખાતર, ટ્રક, રૂ.1900 રોકડા, બે મોબાઇલ મળી રૂ.11,95,755નો મુદ્દામાલ કબજે લઇ 6 શખ્સો સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે.

આ 6 શખ્સો સામે ગુનો નોંધાયો

  • મિતુલ રાજુભાઇ મોદી (ઘોડાસર, અમદાવાદ)
  • કમલેશ દેવચંદભાઇ પટેલ (વસ્ત્રાલ, અમદાવાદ)
  • રાણારામ રૂપારામ જાટ (દામા રામપુરા, તા.ડીસા)
  • પોપટજી હેમરાજજી ઠાકોર (ગોકળપુરા-તરભ)
  • બાબુલાલ નરસિંગારામ જાટ
  • વાલારામ રૂપારામજી જાટ
અન્ય સમાચારો પણ છે...