રાજ્ય સરકાર અને નેતાઓ વાર-તહેવારે યોજાતા સમારંભોમાં શિક્ષણની વાત આવે ત્યારે ભણશે ગુજરાત.. આગળ વધશે ગુજરાત..ની ડાહી ડાહી વાતો કરે છે. પરંતુ, બીજી બાજુ મહેસાણા જિલ્લામાં એવી 222 સરકારી પ્રાથમિક શાળાઓ છે જ્યાં બાળકોને બેસવા પૂરતા સારા ઓરડા પણ નથી. સરકારી આંકડા મુજબ, જિલ્લામાં 63 ટકા ઓરડા ડેમેજ છે.
બાળકોની સંખ્યાની દ્રષ્ટીએ જોઇએ તો પણ 45 ટકા ઓરડા બેસવાલાયક નથી. એવું પણ નથી કે કોઇ ઓરડા જ બંધાયાં નથી. ક્યાંક આખી શાળા ડેમેજ હોય તો અડધા રૂમો બંધાયા છે, બાકીના બાકી રહી ગયા છે. એમાંય કોરોના મહામારી અને મોંઘવારીના કારણે સ્ટીલ, સિમેન્ટ સહિતના ભાવ વધતાં કોઇ એજન્સી કામ કરવા તૈયાર ન થતાં આ સ્થિતિ વધું વિકટ બની છે.
જિલ્લામાં 13મી જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. પરંતુ, આ વર્ષે પણ 222 સરકારી પ્રાથમિક શાળાઓના 1013 જર્જરિત ઓરડાઓમાં બેસીને બાળકોને ભણવું પડશે. ગાંધીનગર ખાતે સર્વ શિક્ષા અભિયાનમાં જર્જરિત રૂમો અને નો યૂઝ સર્ટીવાળી શાળાઓના રૂમો નવા બનાવવા જિલ્લા કક્ષાએ દરખાસ્ત કર્યાને ઘણો સમય વિતવા છતાં હજુ સુધી મંજૂરી મળી નથી. પરિણામે, નવા સત્રમાં નવા રૂમો મળવાની શક્યતા નહિવત હોવાનું સુમાહિતગાર સૂત્રો કહી રહ્યા છે.
બે વર્ષ કોરોનામાં ગયા પછી ચાલુ વર્ષે પણ શાળાઓમાં ડેમેજ રૂમની જગ્યાએ નવા રૂમ બનાવવાનું આયોજન હજુ પ્રક્રિયામાં સાવ ધીમી ગતિએ જ રહ્યું છે. સમગ્ર શિક્ષા અભિયાનમાં ગાંધીનગરથી ડેમેજ રૂમોની જગ્યાએ નવા બનાવવા વર્કઓર્ડર નહીં અપાતાં હજુ પણ નવા રૂમો માટે રાહ જોવી પડશે. એકાદ મહિના અગાઉ જિલ્લા આયોજન અંગેની બેઠકમાં મહેસાણા અને વિસનગરના ધારાસભ્યો, સાંસદે જરૂરવાળા રૂમો બનાવવા અન્ય ગ્રાન્ટો હેઠળ શક્યતા ચકાસવા વહીવટી તંત્ર અને અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો. જેમાં ગ્રાન્ટ, ફંડ મર્યાદામાં કેટલીક શાળાઓમાં નવા રૂમો બનાવવા માટે હવે મંજૂરીની પ્રક્રિયા આરંભાઇ શકે છે તેવા સંકેતો સાંપડી રહ્યા છે.
મહેસાણાને અડીને આવેલા ગીલોસણ ગામની પ્રાથમિક શાળામાં 7માંથી 3 રૂમો બિલકુલ બેસવાલાયક નથી
મહેસાણાને અડીને આવેલા ગીલોસણ ગામની પ્રાથમિક શાળામાં 7માંથી 3 રૂમો બિલકુલ બેસવાલાયક નથી. આ 3 રૂમ તોડી પાડવા પાત્ર હોઇ જુલાઇ 2017માં નો યૂઝ સર્ટી અપાયું હતું. જેને 5 વર્ષ થવા આવ્યા પરંતુ હજુ નવા રૂમના ઠેકાણાં નથી. શાળામાં માત્ર 4 રૂમ બેસવાલાયક છે. ધોરણ 1 થી 8ની આ શાળામાં અંદાજે 148 બાળકોની સંખ્યા છે.
રો-મટિરિયલના ભાવ ઉંચકાયા પછી ટેન્ડરના કામોમાં તંત્રની મુશ્કેલી વધી
બાંધકામમાં લોખંડ, સિમેન્ટ, કપચી, ઇંટો, સેનિટેશન, વીજળીકરણ સહિતના મટિરિયલમાં ભાવો વધ્યા પછી બાંધકામને લગતા ટેન્ડરોમાં એજન્સીઓનો ફ્લો પહેલાં કરતાં ઘટ્યો છે. સૂત્રો મુજબ, જિલ્લામાં 800 જેટલા રૂમો બનાવવા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઇ છે. જોકે, ભાવોને લઇ હાલ મંથરગતિએ હોવાનું જણાય છે. જોકે, રાજ્ય કક્ષાએ સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળાઓના ઓરડા બનાવવા માટે ટેન્ડર થતાં હોઇ જિલ્લા સ્તરે કોઇ સત્તાવાર વિગત નથી.
જિલ્લામાં પ્રાથમિક શાળાઓની સ્થિતિ | |||||
તાલુકો | કુલ રૂમો | ડેમેજ રૂમો | વપરાશપાત્ર | શિક્ષકો | રૂમની જરૂર |
બહુચરાજી | 177 | 124 | 53 | 140 | 87 |
જોટાણા | 89 | 59 | 30 | 73 | 43 |
કડી | 252 | 156 | 96 | 214 | 118 |
ખેરાલુ | 256 | 159 | 97 | 219 | 122 |
મહેસાણા | 342 | 211 | 131 | 270 | 141 |
સતલાસણા | 263 | 155 | 108 | 229 | 121 |
ઊંઝા | 104 | 62 | 42 | 81 | 39 |
વડનગર | 284 | 192 | 92 | 221 | 129 |
વિજાપુર | 220 | 120 | 100 | 179 | 79 |
વિસનગર | 257 | 177 | 80 | 217 | 134 |
કુલ | 2244 | 1415 | 829 | 1843 | 1013 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.