સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતમાં સોમવાર સાંજે વાવાઝોડા બાદ શરૂ થયેલો કમોસમી વરસાદ ઉત્તર ગુજરાતના 47 પૈકી 29 તાલુકામાં નોંધાયો હતો. એટલે કે, માવઠાંનું જોર 62% વિસ્તારમાં જોવા મળ્યું હતું.
કડાકા-ભડાકા સાથે સૌથી વધુ અડધો ઇંચ વરસાદ ભાભરમાં ખાબક્યો હતો. જોકે, માવઠાંના કારણે મંગળવારે રાત્રીનું તાપમાન અઢી ડિગ્રી સુધી ઘટતાં 5 શહેરોમાં ઠંડીનો પારો 17.6 થી 19.4 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો.
જ્યારે દિવસનું તાપમાન પોણા 5 ડિગ્રી સુધી ઘટતાં ગરમીનો પારો 32 થી 35.6 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. બુધવારે અરવલ્લીના છુટાછવાયા વિસ્તારોમાં ઝાપટાં પડવાની આગાહી છે. બીજી બાજુ વાવાઝોડા અને માવઠાંના કારણે પાક નુકસાનની સ્થિતિ જાણવા પાંચેય જિલ્લાના કૃષિવિભાગે ફિલ્ડ સ્ટાફને સર્વેના આદેશ આપ્યા છે.
મહેસાણામાં વાવાઝોડાના કારણે ઝાડ પડતાં 3 સ્થળે વાહન વ્યવહાર ખોટકાયો
મહેસાણા જિલ્લામાં વાવાઝોડાના કારણે 4 સ્થળે ઝાડ પડવાની ઘટના ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં નોંધાઇ હતી. જેમાં મહેસાણા- અમદાવાદ હાઇવે પર મંડાલી ગામ નજીક, મહેસાણા- વિસનગર હાઇવે પર દેલાથી બાસણા વચ્ચે અને મહેસાણાના આખજ- ચલુવા રોડ પર ઝાડ પડતાં વાહન વ્યવહાર ખોટકાયો હતો. જ્યારે મહેસાણા બહુમાળી ભવન સામે કારકૂન ચાલીના એક મકાન પર ઝાડ પડ્યું હતું. જોકે, મળેલી ફરિયાદોના આધારે તૂટી પડેલા ઝાડ હટાવી લેવાયા હતા.
ઘઉંનો પાક જમીનદોસ્ત, એરંડાની માળો ખરી પડી
મહેસાણા સહીત ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાના કારણે એરંડાની માળો ખરી પડવાથી નુકસાન થયું છે, પિયત કરેલો ઘઉંનો પાક ઢળી પડતાં તેની ગુણવત્તા પર માઠી અસર અને ઉત્પાદનમાં ઘટાડો થવાની ચિંતા વ્યક્ત કરી હતી.
છેલ્લા 12 વર્ષમાં માર્ચમાં ચોથી વખત માવઠું થયું
ઉત્તર ગુજરાતમાં 2011 થી 2023ના ગાળામાં આ અગાઉ વર્ષ 2013, 2015 અને 2021માં માવઠું થયું હતું. 2015માં જોર વધુ હતું. 3 વર્ષ બાદ માર્ચમાં માવઠું પડ્યું છે.
ઉ.ગુ.ના આ 29 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.