મહેસાણા શહેર અને તાલુકાની હદમાં અકસ્માતના 3 બનાવ બન્યા હતા. ત્રણેય અકસ્માતમાં કુલ 6 લોકોને ઇજા પહોંચતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહેસાણા એ અને તાલુકા પોલીસે ત્રણેય બનાવમાં 3 વાહન ચાલકો વિરૂધ્ધ અલગ-અલગ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા ગાયત્રી મંદિર વિસ્તારમાં રહેતાં અનિરૂધ્ધ અશ્વિનભાઇ ગુપ્તા અને હર્ષ યોગેશકુમાર શાહ ગત 6 ડિસેમ્બરની રાત્રે 8.30 કલાકની આસપાસ જીમમાંથી એક્ટીવા (GJ 02 CQ 9640) પર બેસી ઘરે પરત આવતાં હતા. ત્યારે જીઇબી પાસે રોંગ સાઇડ આવી રહેલી ઇકો (GJ 02 IC 1379) એ એક્ટીવાને ટક્કર મારી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસે અકસ્માત બાદ નાસી ગયેલા ઇકો ચાલક ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કડીના ટાકીયા ગામના વિજયસિંહ સતુજી ચૌહાણ શનિવાર સવારે તેમની પત્ની હેતલબેન અને ભત્રીજી રૂદ્રાબા સાથે બાઇક (GJ 02 DF 9115) લઇને લણવા ગામે લગ્ન પ્રસંગે જઇ રહ્યા હતા. ત્રણેય જણા મહેસાણાના શિવાલા સર્કલથી નુગર સર્કલ તરફ જઇ રહ્યા હતા. ત્યારે સવારે 10.30 કલાકની આસપાસ પાછળથી આવી રહેલી એક સફેદ કલરની કારે તેમને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. ત્રણેય ઇજાગ્રસ્તોને 108 ની મદદથી સારવાર અર્થે લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ મામલે મહેસાણા તાલુકા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણાના ગીલોસણ ગામના રાવળવાસમાં રહેતાં શૈલેષભાઇ રાવળ ગત 9 ડિસેમ્બરની રાત્રે આઠેક કલાકની આસપાસ નુગર ગામના ગેટ નજીક ઉભા હતા. ત્યારે મોઢેરા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલા બાઇક (GJ 02 BL 1338) ના ચાલકે તેમને અડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે બાઇક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.