મહેસાણા નજીક આવેલા ખારા ગામે દર્શન કરવા જઈ રહેલા એજન્ટ પાસેથી કાલે અજાણ્યા પાંચ જેટલા લૂંટારુઓ 20 લાખની ગાડીને લૂંટી ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે એજન્ટે સાંથલ પોલીસ મથકમાં અજાણ્યા લૂંટારુઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે તપાસ આદરી હતી. જેના ગણતરીના કલાકોમાં સાંથલ પોલીસે આ કેસમાં 6 લૂંટારીઓને ઝડપી ગાડી પરત મેળવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મિત્રએ જ મિત્રની ગાડી લૂંટવાનો પ્લાન ઘડ્યો હતો.
વિજાપુરના એજન્ટે મિત્ર પાસેથી 20 લાખમાં ગાડી ખરીદી
વિજાપુર તાલુકામાં આવેલા માલોસણ ગામે રહેતા સિદ્ધાર્થ બારોટ જે એજન્ટ તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ફરિયાદીએ પોતાના મિત્ર દિનેશ પટેલ પાસેથી 20 લાખ કિંમતની ક્રેટા ગાડી પોતાના માટે લીધી હતી. બાદમાં 15 લાખ આપી બાકીના રૂપિયા 20 માસ પછી આપવાનો વાયદો કર્યો હતો. ફરિયાદીના મિત્ર દિનેશ પટેલે ફરિયાદીને આપેલી ગાડી લઈને જોટાણા પાસે સુજર ગામે ખોડિયાર માતાના દર્શન કરવા જવાનું કહેતા બે મિત્રો ગાડી લઈ નીકળ્યા હતા, ત્યારે સમગ્ર લૂંટની ઘટના બની હતી.
પોલીસે બાતમી આધારે મગુનાથી ગાડી ઝડપી
સમગ્ર કેસમાં સાથલ પોલીસ મથકના પી.એસ.આઈ એ.કે.વાઘેલા પોતાની ટીમ સાથે આરોપીઓને ઝડપવા તપાસ કરી રહ્યાં હતા. એ દરમિયાન બાતમી મળી હતી કે લૂંટમાં ગયેલી ક્રેટા ગાડી મગુના ખાતે પડેલી છે. બાતમીના આધારે સાથલ પોલીસે મગુના ગામેથી અને વિજાપુરથી આરોપીઓને દબોચી લીધા હતા.
મિત્રએ જ લૂંટનો પ્લાન ઘડ્યો
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર લૂંટ કેસમાં મુખ્ય સૂત્રધાર દિનેશ પટેલ છે. દિનેશ પટેલ પોતાની ક્રેટા ગાડી 20 લાખમાં ફરિયાદીને વેચી હતી. જોકે દિનેશ પટેલ જ પોતાના મળતીયાઓને ગાડી લૂંટવા ટિપ્સ આપી હતી અને વિજાપુરના અને મગુના ગામના રહેતા કેટલાક આરોપી પાસે ખારા નજીક ગાડી લૂંટવનો પ્લાન ઘડ્યો અને સફળ પણ થયો હતો. જોકે મુખ્ય સૂત્રધાર ગાડી લૂંટાય બાદ એ જ ગાડી અન્ય જગ્યા ગીરવે અથવા તો વેચી મારી બીજા રૂપિયા મેળવવા ઈચ્છતો હોવાની હાલના વિગતો મળી રહી છે.
આ કેસમાં પોલીસે હાલમાં પટેલ દિનેશ ઉર્ફે મદન, ઝાલા નીતિનસિંહ ભીખુભા, ઝાલા દિપકસિંહ તીરથસિંહ, ઝાલા ઈન્દુભા સજુભા, ઝાલા અરવિંદ સિંહ લઘુભા, ઝાલા મહાવીરસિંહ ભીખુભાને ઝડપી ઝાલા પ્રવીણ સિંહ સોમભાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.