કોરોનાકાળમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા કેપિટલ- વ્યાજ સહાય સાથે સરકારે બનાવેલી નવી ઔદ્યોગિક નીતિના બે વર્ષમાં મહેસાણા જિલ્લામાં નવા સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના 265 એકમો પાછળ ઉદ્યોગ સાહસિકોએ રૂ.522.83 કરોડનું રોકાણ કર્યું છે. જેમાં સૌથી વધુ રોકાણ કડી તાલુકામાં રૂ.290 કરોડનું થયું છે, અહીં નવા 88 એકમો શરૂ થયા છે. થોળ-કડી હવે અમદાવાદની નજીક હોઇ આ વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસ ઝડપથી આગળ વધી રહ્યો છે.
કેટેગરી-1 : 5 તાલુકામાં રૂ.16.92 કરોડ રોકાણમાં સૌથી વધુ બહુચરાજીમાં અંતરિયાળ વિસ્તારમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા કેટેગરી-1માં સમાવિષ્ટ કરાયેલા બહુચરાજી, જોટાણા, ખેરાલુ, સતલાસણા અને વડનગર મળી 5 તાલુકામાં બે વર્ષમાં નવા 17 એકમો શરૂ થયા છે અને તેમાં રૂ.16.92 કરોડનું રોકાણ થયું છે. જે પૈકી સૌથી વધુ બહુચરાજી તાલુકામાં રૂ.10.05 કરોડનું 9 એકમોમાં રોકાણ થયું છે. અહીં મારુતિ-સુઝુકી પ્લાન્ટ આવ્યા પછી ઓટો સેક્ટરમાં સ્પેરપાર્ટસને લગતાં સુક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગો વધી રહ્યા છે.
કેટેગરી-2 : 3 તાલુકામાં રૂ.132 કરોડ રોકાણમાં સૌથી વધુ ઊંઝામાં રૂ.58 કરોડ કેટેગરી-2માં આવતા ઊંઝા, વિસનગર અને વિજાપુર તાલુકામાં બે વર્ષમાં નવા 87 એકમો પાછળ કુલ રૂ.132.03 કરોડનું રોકાણ થયું છે. જેમાં સૌથી વધુ ઊંઝા તાલુકામાં 35 એકમોમાં રૂ.58.11 કરોડના રોકાણનો સમાવેશ થાય છે. ઊંઝામાં એગ્રો સેન્ટર, એગ્રો પ્રોસેસિંગ, જ્યારે વિસનગર અને વિજાપુરમાં રોલિંગ મિલના એકમો વધી રહ્યાં છે. કેટેગરી 3 : 2 તાલુકામાં રૂ.373 કરોડ રોકાણમાં સૌથી વધુ કડીમાં રૂ.290 કરોડ કેટેગરી-3માં આવતા મહેસાણા અને કડી તાલુકામાં બે વર્ષમાં નવા 161 એમએસએમઇ એકમો શરૂ થયાં છે અને તેમાં કુલ રૂ.373.87 કરોડનું રોકાણ થયું છે. જેમાં સૌથી વધુ કડી તાલુકામાં 88 એકમોમાં રૂ.290.81 કરોડનું રોકાણ થયું છે. જિલ્લામાં ઔદ્યોગિક વિકાસમાં કડીની રફતાર પાછલા બે વર્ષમાં વધી છે. અહીં રો-મટિરિયલને લગતાં નાના, મધ્યમ કદનાં એકમો વધી રહ્યા છે. મહેસાણા અને કડીમાં ફાર્માસ્યુટીકલ અને એન્જિનિયરિંગ સેક્ટરમાં એકમો વધુ થયાં છે.
જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં થયેલું રોકાણ
તાલુકો | એકમો | રોકાણ | સબસિડી ચુકવાઇ |
કડી | 88 | રૂ.290.81 કરોડ | રૂ.3.38 કરોડ |
મહેસાણા | 73 | રૂ.83.06 કરોડ | રૂ.1.28 કરોડ |
ઊંઝા | 35 | રૂ.58.11 કરોડ | રૂ.4.62 લાખ |
વિજાપુર | 33 | રૂ.52.62 કરોડ | રૂ.2.40 કરોડ |
વિસનગર | 19 | રૂ.21.30 કરોડ | રૂ.17.47 લાખ |
બહુચરાજી | 9 | રૂ.10.05 કરોડ | રૂ.1.20 કરોડ |
જોટાણા | 1 | રૂ.4.64 કરોડ | પ્રક્રિયામાં |
વડનગર | 2 | રૂ.1.34 કરોડ | પ્રક્રિયામાં |
સતલાસણા | 4 | રૂ.74.93 લાખ | પ્રક્રિયામાં |
ખેરાલુ | 1 | રૂ.13.96 લાખ | પ્રક્રિયામાં |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.