મેઘમહેર:સિદ્ધપુરમાં 4 કલાકમાં 5 ઇંચ, વડગામમાં ત્રણ, ઊંઝામાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 47 પૈકી 32 તાલુકામાં વરસાદ પડ્યો
  • આજથી ઉત્તર ગુજરાતનું વાતાવરણ સામાન્ય થવાની હવામાન વિભાગની આગાહી

છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 47 પૈકી 32 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં પાટણના સિદ્ધપુરમાં 4 કલાકમાં સાૈથી વધુ 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત પાલનપુરમાં સાડા ચાર ઇંચ, વડગામમાં સવા ત્રણ ઇંચ અને ઊંઝામાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો.

સતત પાંચમા દિવસે પણ વરસાદની રમઝટ યથાવત રહેતાં ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરોનું દિવસનું તાપમાન 32 ડિગ્રી અાસપાસ તેમજ રાત્રીનું તાપમાન 22 થી 22.8 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. જેના કારણે વાતાવરણમાં ઠંડુ રહ્યું હતું. અેમાંય સાંજથી માંડી વહેલી સવાર સુધીનું વધુ ઠંડક અનુભવાઇ હતી. બીજી બાજુ હવામાન વિભાગની અાગાહી મુજબ, મંગળવારથી ઉત્તર ગુજરાતનું વાતાવરણ સામાન્ય થવાનું શરૂ થશે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સૂર્યનારાયણના દર્શન થઇ શકે છે.

તેમજ છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા રહેશે. બુધવારથી મોટાભાગના વિસ્તારનું વાતાવરણ સામાન્ય બનતાં ગરમી અને ઉકળાટનો અનુભવ થઇ શકે છે. રવિવારે રાત્રે સિદ્ધપુર પંથકમાં રાત્રે 2 વાગ્યા બાદ મુશળધાર વરસાદ શરૂ થતાં સતત 8 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ વરસતા શહેર સહિત આસપાસના ગામોમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિને લઇ જળબંબાકાર ના દ્રશ્યો જોવા મળ્યા હતા .જેમાં શહેરની 10 જેટલી સોસાયટીઓ પાણીમાં ગરકાવ સહિત ઋષિ તળાવ ઓવરફ્લો થતા વિસ્તારની સોસાયટીઓમાં પાણી ફરી વળતા ઘરોમાં પાણી ઘુસી જતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. 150 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું હતું.

ઉ.ગુ.ના પાંચ જિલ્લામાં વરસાદની સ્થિતિ

  • મહેસાણા જિલ્લો : ઊંઝામાં 60 મીમી, વિસનગરમાં 34 મીમી, વિજાપુરમાં 16 મીમી, જોટાણામાં 15 મીમી, મહેસાણામાં 6 મીમી, કડીમાં 5 મીમી અને બહુચરાજીમાં 4 મીમી
  • પાટણ જિલ્લો : સિદ્ધપુરમાં 124 મીમી, રાધનપુરમાં 40 મીમી, ચાણસ્મામાં 37 મીમી, સરસ્વતીમાં 30 મીમી, હારિજમાં 24 મીમી, સમીમાં 13 મીમી, પાટણમાં 9 મીમી અને શંખેશ્વરમાં 8 મીમી
  • બનાસકાંઠા જિલ્લો : પાલનપુરમાં 112 મીમી, વડગામમાં 82 મીમી, ડીસામાં 43 મીમી, દાંતામાં 29 મીમી, દિયોદરમાં 18 મીમી, દાંતીવાડામાં 15 મીમી, અમીરગઢમાં 15 મીમી, કાંકરેજમાં 11 મીમી અને ભાભરમાં 4 મીમી
  • સાબરકાંઠા જિલ્લો : પોશીનામાં 32 મીમી, હિંમતનગરમાં 3 મીમી અને તલોદમાં 3 મીમી
  • અરવલ્લી જિલ્લો : માલપુરમાં 14 મીમી, મેઘરજમાં 9 મીમી, બાયડમાં 6 મીમી, ધનસુરામાં 6 મીમી અને મોડાસામાં 1 મીમી
  • (નોંધ : રવિવાર સાંજે 6 થી સોમવાર સાંજે 6 વાગ્યા સુધીનો વરસાદ દર્શાવ્યો છે.)
અન્ય સમાચારો પણ છે...