જૂથ અથડામણ:વડોસણ અથડામણ કેસમાં 5 આરોપી હાજર થયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિ.પં. ઉપપ્રમુખ અંબાલાલ અને કોંગ્રેસ અગ્રણી અમૃતજી ઠાકોરના માણસો વચ્ચે મારામારી થઈ હતી

મહેસાણા તાલુકાના વડોસણ ગામમાં વાડામાં તારનું ફેન્સીંગ કરવા બાબતે ગામના બે રાજકીય આગેવાનોના જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. તેના પગલે બંને પક્ષના 12 લોકો સામે તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને કોંગ્રેસ અગ્રણી અમૃતજી ઉર્ફે ભોપાજી ઠાકોરની ધરપકડ કરી હતી. જ્યારે મંગળવારે બાકીના 5 આરોપીઓ હાજર થતાં પોલીસે ધરપકડ કરી હતી.

વડોસણ ગામમાં જિ.પં.ના ઉપપ્રમુખ અંબાલાલ ઠાકોર, તેમનો પુત્ર અને તેમના માણસો વાડામાં તાર ફેન્સીંગ કરી રહ્યા હતા. ત્યારે કોંગ્રેસ અગ્રણી અમૃતજી ઉર્ફે ભોપાજી ઠાકોરના માણસો સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી મારામારીમાં પરિણમતા લાકડી અને ધારીયા વડે હુમલો કરાતા બંને પક્ષના 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

તેથી તાલુકા પોલીસે બંને પક્ષોના 12 વ્યક્તિઓ સામે સામસામી ફરિયાદ નોંધી હતી. સોમવારે વડોસણના અમૃતજી ઉર્ફે ભોપાજી બાબુજી ઠાકોરની ધરપકડ બાદ મંગળવારે બાકીના 5 આરોપીઓ હાજર થતા પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી. અંબાલાલ ઠાકોરના સમર્થક મહેશ ઠાકોરે નોંધાવેલી ફરિયાદના તમામ આરોપીઓ પકડાઈ ગયા હતા. જ્યારે અમૃતજી ઉર્ફે ભોપાજી ઠાકોરના સમર્થક વિષ્ણુ ઠાકોરે નોંધાવેલી ફરિયાદના એકપણ આરોપી હજુ સુધી પકડાયા નથી.

સામાપક્ષે પોલીસે એકપણ આરોપીની ધરપકડ નહી કરાયાનો આક્ષેપ કરાયો
આરોપી અમૃતજી ઉર્ફે ભોપાજી ઠાકોરના પુત્ર આનંદજીએ જણાવ્યુ હતુ કે, અમારા પક્ષના તમામ લોકો પોલીસ સમક્ષ હાજર થઈ ગયા છે. જ્યારે અમારા માણસે નોંધાવેલી ફરિયાદમાં જિ.પં.ઉપપ્રમુખ અંબાલાલ ઠાકોર, તેમના પુત્ર જીતેન્દ્ર સહિત 6 સામે ફરિયાદ નોંધાવી છે. પરંતુ, તમામ આરોપીઓ ખુલ્લેઆમ ફરતા હોવા છતાં એકપણ આરોપીની ધરપકડ કરાઈ નથી.

હાજર થયેલાં આરોપી
1.ઠાકોર અરવિંદ ઉર્ફે ટીનો બનાજી
2.ઠાકોર બનેસંગ ઉર્ફે બનાજી ગલાબજી
3.ઠાકોર વિષ્ણુ ઉર્ફે વિનુજી ગગાજી
4.ઠાકોર આશિષ ઉર્ફે આકાશજી અમૃતજી
5.ઠાકોર કરણ ઉર્ફે બકો કીર્તિસિંહ

અન્ય સમાચારો પણ છે...