ઓનલાઇન ફરિયાદ:જિલ્લામાં જાહેર સ્થળેથી 4896, ખાનગી સ્થળેથી 778 પોસ્ટર અને બેનર હટાવાયાં

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગીફ્ટમાં કંપાસ વિતરણની ફરિયાદ મળતાં તંત્ર દોડ્યું, પણ કંઇ ના મળ્યું
  • ​​​​​​​મહેસાણા, વિસનગર, કડી, વિજાપુરમાં 14 જગ્યાએ બેનરની ઓનલાઇન ફરિયાદ મળી

ચૂંટણી જાહેર થતાં જ આદર્શ આચારસંહિતાની અમલવારીમાં રાજકીય લખાણો, ચિન્હો દર્શાવતા પોસ્ટર, બેનર, હોર્ડિગ્સ વગેરે ચૂંટણી તંત્ર દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે. જેમાં જિલ્લામાં રવિવાર સવાર સુધીમાં જાહેર અને ખાનગી સ્થળોએથી 2643 ભીંતસૂત્રો, 1090 પોસ્ટર, 766 બેનર અને 1175 હોર્ડિંગ્સ મળી કુલ 5674 રાજકીય નિર્દેશનો દૂર કરાયાં હતાં.

મહેસાણામાં જિલ્લા કક્ષાએ કાર્યરત એક્સપેન્ડીચર સેલમાં વિવિધ સ્થળે રાજકીય પાર્ટીના ચિન્હ, લખાણ, પોસ્ટર, બેનર લાગેલા હોવાની રવિવાર બપોર સુધીમાં મળેલી 14 ફરિયાદોમાં ફ્લાઇંગ સ્કવોડની ટીમ મારફતે તપાસ કરાવી નિકાલ કરાયો હતો. જેમાં મોટાભાગે સી-વીજીલમાં ઓનલાઇન ફરિયાદ ચૂંટણી તંત્રને મળી હતી.

મહેસાણા, વિસનગર, કડી, વિજાપુર સહિત વિવિધ વિસ્તારમાં પાર્ટીના નિશાન, પોસ્ટર, બેનર, દિવાલમાં લખાણ હોવા અંગેની ત્રણ દિવસમાં 14 જેટલી ફરિયાદો મળી હતી. જેમાં સી-વીજીલમાં એક ગીફ્ટ કંપાસ વિતરણ જાહેરાત અંગેની ફરિયાદ પણ હતી. જોકે, તપાસ કરતાં આવું કંઇ ન હોવાનું બહાર આવ્યું હતું. ફોટો સી-વીજીલમાં કોઇથી અપલોડ થઇ ગયો હતો. આ ફરિયાદનું પણ નિવારણ કરાયાનું સેલના સૂત્રોએ કહ્યું હતું. ત્રણ પાળીમાં ફ્લાઇંગ સ્કવોડની ટીમ ઉપરાંત એક રિઝર્વ ટીમ ચૂંટણી એક્સપેન્ડીચર સેલમાં કાર્યરત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...