વિરોધ:મહેસાણા જિલ્લાના 485 મહેસુલી કર્મચારીઓ માસ સીલ એલ પર ઉતર્યા

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ સાંસદના કરજણ મામલતદાર સાથે ગેરવર્તનના વિરોધમાં
  • જાતિ-આવકના દાખલા સહિતના કામે આવેલા અરજદારોને ધક્કો પડ્યો

ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ અકસ્માતના એક બનાવમાં સ્થાનિક મામલતદાર અને મહેસુલી કર્મચારીઓ સાથે અશોભનીય વર્તન કરતાં રાજ્યભરમાં મહેસુલી કર્મચારીઓમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. મહેસાણા જિલ્લામાં કલેક્ટર કચેરી, જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ અને પ્રાંત કચેરીઓમાં ફરજ બજાવતા તમામ મહેસુલી કર્મચારીઓ ગુરુવારે કાળીપટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યા બાદ શુક્રવારે માસ સીએલ પર ઉતરી જતાં કચેરીઓમાં કામકાજ ઠપ થઇ ગયું હતું. જેને લઇ કામ માટે આવેલા અરજદારોને ધક્કો પડ્યો હતો.

જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ દ્વારા શુક્રવારે જિલ્લા કલેક્ટરને ભરૂચ સાંસદ અસભ્ય વર્તન અંગે લેખિતમાં માફી ન માંગે તો આંદોલનાત્મક પગલાં લેવા રાજ્ય કર્મચારી મંડળે નક્કી કર્યું હોઇ માસ સીએલ ઉપર હોવાની લેખિત જાણ કરી હતી. જિલ્લામાં 360 મહેસુલી ક્લાર્ક અને નાયબ મામલતદાર, 112 રેવન્યુ તલાટી અને 15 મામલતદાર મળી કુલ 485 કર્મચારીઓ રજા ઉપર ઉતરી ગયા હતા. પરિણામે કચેરીઓમાં માત્ર ઓપરેટરો અને આઉટસોર્સિંગ કર્મીઓ જોવા મળ્યા હતા. પરંતુ અધિકારી વગર અરજદારોને ફેરો પડ્યો હતો.

મહેસાણા મામલતદાર કચેરીમાં જાતિનો દાખલો કઢાવવા આવેલા બાલિયાસણના રાજુભાઇ રાવળે કહ્યું કે, દીકરા કિરણને ડિપ્લોમા પ્રવેશ માટે જરૂરી જાતિનો દાખલો કઢાવવા આવ્યો છું, અહીં આવ્યા પછી ખબર પડી કે આજે સ્ટાફની હડતાળ છે. દેવરાસણથી આવેલા ખોડાભાઇ પ્રજાપતિએ કહ્યું કે, જમીનમાં બોજો દાખલ કરાવવા આજે ખેતીકામ બંધ રાખ્યું, કોઇ સ્ટાફ ન હોઇ પાછા જવું પડશે. પુરવઠા શાખામાં રેશનકાર્ડની અરજીઓ ભરેલા ફોર્મમાં તલાટીની સહી કરાવવા આંટા લગાવતાં ઘણા અરજદારો જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...