ઉત્તર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ખેંચાઇ રહેલા વરસાદના કારણે સરેરાશ 7.50 ઇંચ વરસાદની ઘટ વર્તાઇ રહી છે. 9 ઓગસ્ટની સ્થિતિએ ઉત્તર ગુજરાતમાં સરેરાશ 16.75 ઇંચ વરસાદની જરૂરિયાત સામે માત્ર 9.50 ઇંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ નવેક દિવસ સારા વરસાદની કોઇ શક્યતા ન હોઇ વરસાદની ઘટ વધી શકે છે. કૃષિ નિષ્ણાતોના મતે અત્યાર સુધીના વરસાદના કારણે આગામી 15 થી 20 દિવસ પાકને કોઇ નુકસાન થવાની શક્યતા નથી. પરંતુ ભૂગર્ભજળને ફાયદો થાય એવો હજુ સુધી વરસાદ થયો નથી.
છેલ્લા એક સપ્તાહથી ખેંચાઇ રહેલા વરસાદના કારણે ગરમીનું પ્રમાણ વધવાનું શરૂ થયું છે. જેના કારણે છેલ્લા 48 કલાકમાં દોઢ ડિગ્રી સુધી પારો ઉંચકાતાં મુખ્ય 5 શહેરોમાં ગરમીનું પ્રમાણ 34.5 થી 35 ડિગ્રી વચ્ચે પહોંચ્યું હતું. ઉંચા તાપમાન અને હવામાં વધુ પડતાં ભેજના કારણે ગરમી સાથે અસહ્ય ઉકળાટનો કહેર શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, તા.17 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની કોઇ શક્યતા નથી.
તા.18 ઓગસ્ટ આસપાસ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ રચાઇ શકે તેવા સંકેતો મળી રહ્યા છે. આ લો-પ્રેશર રચાયા બાદના 24 થી 48 કલાકમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમમાં રૂપાંતર થઇ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની પ્રબળ શક્યતા છે. જેના કારણે 20 ઓગસ્ટથી ઉત્તર ગુજરાતમાં સારા અને સાર્વત્રિક વરસાદની શક્યતા બની છે. વરસાદનો આ પાંચમો રાઉન્ડ ઓગસ્ટ મહિનાના અંત સુધી એક્ટિવ રહી શકે છે.
મહેસાણામાં 430ની જરૂર સામે 267 મીમી જ વરસ્યો | |||
જિલ્લો | જરૂરિયાત | વરસ્યો | વધ-ઘટ |
મહેસાણા | 430 | 267 | -37.90% |
પાટણ | 325 | 248 | -23.69% |
બ.કાંઠા | 352 | 178 | -49.43% |
સા.કાંઠા | 493 | 255 | -48.27% |
અરવલ્લી | 503 | 196 | -61.03% |
સરેરાશ | 421 | 229 | -45.60% |
(નોંધ : વરસાદના આંકડા મીમીમાં) |
મહેસાણા જિલ્લાના ધરોઇ ડેમમાં ગત 26 જુલાઇએ બપોરે 1 વાગ્યાથી પાણીની આવક શરૂ થઇ હતી. એ સમયે 182.28 મીટરની સપાટીએ ડેમમાં 25267 કરોડ લિટર પાણી સમાયેલું હતું. ઉપરવાસમાં વરસાદ ધીમો પડતાં સોમવારે સવારે 7 કલાકે પાણીની આવક બંધ થઇ હતી.
આ સમયે 182.82 મીટરની સપાટીએ 27,829 કરોડ લિટર પાણીનો જથ્થો નોંધાયો હતો. છેલ્લા 15 દિવસની પાણીની આવકના કારણે ડેમની સપાટી 1.77 ફૂટ ઉંચકાઇ હતી. આ 15 દિવસમાં કુલ 2562 કરોડ લિટર પાણીની આવક થઇ હતી.
15 દિવસમાં 38 દિવસ ચાલે એટલા પાણીની આવક : મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના દૈનિક 20 કરોડ લિટર પાણીના વપરાશના અંદાજ પ્રમાણે 128 દિવસ ચાલી શકે એટલા પાણીની આવક છેલ્લા 15 દિવસમાં થઇ છે. બીજી બાજુ ડેમમાંથી વપરાશ સાથે બાષ્પીભવન અને જમીનમાં ઉતરતાં પાણી સહિત દૈનિક 68 કરોડ લિટરની ઘટ પ્રમાણે 38 દિવસ ચાલે એટલા પાણીની આવક થઇ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.