નવસારી ખાતે શુક્રવારે વડાપ્રધાનના કાર્યક્રમ માટે ગુરુવારથી બે દિવસ મહેસાણા એસ.ટી વિભાગ દ્વારા મહેસાણા, પાટણના 12 ડેપોની 50 ટકા જેટલી બસો ફાળવવામાં આવતાં મુસાફરોને બસસ્ટેશનમાં બસ મળવાના ફાંફા પડ્યા હતા. સમયસર બસ ન મળવાના કારણે ઘણા મુસાફરો ખાનગી શટલીયા તરફ વળ્યા હતા. શુક્રવારે સવારે કાર્યક્રમો હોઇ આ બસો મોડી સાંજે પરત ફરશે એટલે શુક્રવારે પણ બસસ્ટેશનમાં મુસાફરોને બસ સમયસર મળવી મુશ્કેલ બનશે.
મહેસાણા એસ.ટી વિભાગમાં આવતા મહેસાણા, કડી, ઊંઝા, વિસનગર, વિજાપુર, વડનગર, ખેરાલુ, સતલાસણા, પાટણ, ચાણસ્મા, હારિજ અને કલોલ મળીને 12 બસ સ્ટેશનમાં કુલ 760 જેટલી બસોની વિવિધ રૂટમાં મુસાફરો માટે સુવિધા કરાયેલી છે. જે પૈકી 400 જેટલી બસો ગુરુવારથી વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાળવવામાં આવી હોઇ બસસ્ટેશનથી મોટાભાગે ગ્રામિણ રૂટની ઘણી ટ્રીપો રદ્દ થતાં મુસાફરો અટવાયા હતા. મહેસાણા ડેપોની 100 બસો પૈકી 46 બસ કાર્યક્રમમાં ફાળવાતા ગામડાની બસ ટ્રીપ અડધા કલાકના બદલે એક કલાકે થઇ હતી. રાણીપની ટ્રીપ પણ અડધાના બદલે એક કલાકે થતાં મુસાફરોને બસ માટે રાહ જોવી પડી હતી. તો કેટલાક મુસાફરો ખાનગી વાહન તરફ વળ્યા હતા. સૂત્રોએ કહ્યું કે, ગુરુવારે આશરે 40થી 50 ટકા ટ્રીપો બસના અભાવે ઓછી થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.