યાત્રિકો સુરક્ષિત:ઉત્તરાખંડમાં ફસાયેલા મહેસાણાના 4, પાટણ જિ.ના 27 અને અરવલ્લીના 4 યાત્રી સલામત

મહેસાણા, પાટણ, મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉત્તરકાશીથી 30 કિમી દૂર ભટવાડી નજીક મહેસાણા પાટણના યાત્રિકો છે. - Divya Bhaskar
ઉત્તરકાશીથી 30 કિમી દૂર ભટવાડી નજીક મહેસાણા પાટણના યાત્રિકો છે.
  • ગંગોત્રી તરફના રસ્તામાં પહાડ ધસી પડતાં રસ્તો બંધ થઇ જવાથી યાત્રિકો ઉત્તરકાશી પરત ફર્યા
  • ઊંઝાના મક્તુપુરના 4, સિદ્ધપુરના 9, ધિણોજ- સોજિંત્રાના 12, રૂવાવી, સરસાવ અને કલ્યાણાના 2-2 યાત્રિકોનો સમાવેશ

ઉત્તરાખંડમાં સતત ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર અને અનેક રસ્તાઓમાં પહાડ ધસી પડતાં બ્લોક થવાથી ચારધામની યાત્રાએ ગયેલા યાત્રિકો અટવાઈ પડ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણાના ઊંઝા તાલુકાના મક્તુપુરના 4, પાટણ જિલ્લાના સિદ્ધપુરના 9, ચાણસ્માના ધિણોજ અને સોજિંત્રા ગામના 12 તેમજ રૂવાવી, સરસાવ અને કલ્યાણાના 2-2 મળી કુલ 27 તેમજ અરવલ્લી જિલ્લાના શામળાજી પાસેના નાપડા ગામના 4 યાત્રિકોનો સમાવેશ થાય છે. જે તમામ સલામત છે. ઉત્તરકાશીથી ઊંઝાના મક્તુપુર ગામના નરેશભાઇ પટેલે કહ્યું કે, અમે બધા સલામત જગ્યાએ અને સુરક્ષિત છીએ.

મક્તુપુર ગામના નરેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, મંજુલાબેન નરેશભાઈ પટેલ, સેંધાભાઈ શંકરભાઈ પટેલ અને પુષ્પાબેન સેંધાભાઈ પટેલ તેમજ કલ્યાણા ગામના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી વેટરનરી ડોક્ટર રમેશભાઈ માધાભાઈ પટેલ અને બબીબેન રમેશભાઈ પટેલ, ચાણસ્માના સરસાવ ગામના કાંતિભાઈ જોરાભાઈ પટેલ અને ગીતાબેન કાન્તીભાઈ પટેલ તેમજ પાટણના રૂવાવી ગામના વિષ્ણુભાઈ મફતલાલ પટેલ અને નીતાબેન વિષ્ણુભાઈ પટેલ આ 5 પરિવાર સાથે ચારધામની યાત્રાએ ગયાં છે.

જેઓ મંગળવારે સવારે 9 વાગે ઉત્તરકાશીથી ગંગોત્રી જવા નીકળ્યા હતા અને 30 કિલોમીટરનું અંતર કાપી ભાટવાડી ગામ પોલીસ થાણા પાસે પહોંચતાં તમામ યાત્રિકોને અટકાવી દેવાયા હતા. આગળ રસ્તો બ્લોક હોઇ આગળ ગંગોત્રી ન જતાં ઉત્તરકાશી હોટલે પરત ફર્યા છે. આ તમામ 10 યાત્રિકો સલામત છે. મક્તુપુરના નરેશભાઇ પટેલે કહ્યું કે, હવે બુધવારે કેદારનાથ તરફ પ્રયાણ કરીશું, બાબાની કૃપા હશે તો બદ્રીનાથ જવા માટે હેલિકોપ્ટરની ટિકિટ બુક કરાવેલી છે, બાબાના દર્શન કરી વતન પરત ફરીશું, હાલ વાતાવરણ ખુલ્લું છે.

મહેસાણા રેલવે સ્ટેશનથી છેલ્લા ચાર દિવસમાં 147 મુસાફરો ઉત્તરાખંડ ગયા
મહેસાણા : અમદાવાદ વાયા યોગનગરી ઋષિકેશ ટ્રેન દ્વારા પ્રવાસીઓ ઉત્તરાખંડ જતા હોય છે. મહેસાણા રેલવે સ્ટેશન પર 12:33 કલાકે આવતી યોગનગરી એક્સપ્રેસમાં 4 દિવસમાં 147 મુસાફરો ઉત્તરાખંડ તરફ ગયા હોવાની વિગતો મળી હતી. મહેસાણા રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર એસ.આર. મીનાના જણાવ્યા પ્રમાણે, 15 ઓક્ટોબરે 31, 16મીએ 13, 17મીએ 33 અને 18મીએ 70 મુસાફરો યોગનગરી એક્સપ્રેસમાં ગયા હતા. ઉત્તરાખંડમાં પૂરની સ્થિતિને લઈ ટ્રેનોની અવર જવરને કોઈ અસર થઈ નથી.

મક્તુપુરના યાત્રિકો ઉત્તરકાશીના ભટવાડીમાં છે
ઉત્તરાખંડમાં પૂરની સ્થિતિને લઈ ગુજરાતના અનેક મુસાફરો ફસાયા હોવાની શક્યતાથી રાજ્ય સરકારે દરેક જિલ્લામાં વહિવટી તંત્રને આદેશ કરી મુસાફરોનો સંપર્ક કરી યાદી બનાવી રાજ્ય સરકારને મોકલવાનો આદેશ કર્યો હતો. કલેક્ટર ઉદિત અગ્રવાલે તાલુકા તંત્રને આદેશ કરી ફસાયેલા મુસાફરોનો સંપર્ક કરવા આદેશ કર્યો હતો.

તેના પગલે ઊંઝા તાલુકાના મક્તુપુર ગામના 4 મુસાફરો ઉત્તરાખંડમાં ફસાયા હોવાની વિગતો મળી હતી. તેઓ ઉત્તરકાશીથી 30 કિલોમીટર દૂર ભટવાડી ગામમાં સલામત હોવાનું જાણવા મળ્યું છે. ઊંઝાના નાયબ મામલતદાર, મક્તુપુરના સરપંચ અને તલાટી દ્વારા ટેલિફોનિક સંપર્ક કરતાં તેઓ સલામત હોવાનું કહ્યું છે.- આઈ.આર. વાળા, અધિક કલેક્ટર મહેસાણા

અન્ય સમાચારો પણ છે...