ગુજરાતના વન વિભાગ દ્વારા રાજ્યના બિન-વન વિસ્તારમાં કરવામાં આવેલી 5મી વૃક્ષ ગણતરીના રિપોર્ટ અનુસાર રાજ્યમાં છેલ્લા 20 વર્ષમાં 14.65 કરોડ વૃક્ષોનો વધારો થયો છે. 2021ના આ સરવે અનુસાર રાજ્યમાં વન વિસ્તાર સિવાયના પ્રદેશમાં કુલ 39.75 કરોડ વૃક્ષો છે.રાજ્યમાં સૌથી વધુ વૃક્ષ આણંદ જિલ્લામાં આવેલાં છે. જ્યારે સૌથી વધુ વૃક્ષો ધરાવતા જિલ્લામાં અમદાવાદનો ક્રમ છેક 29મો છે.
રિપોર્ટ અનુસાર વર્ષ 2001માં વૃક્ષોની સંખ્યા 25.10 કરોડ હતી. જે 20 વર્ષમાં 58%નો વધારો સૂચવે છે. આ સરવે મુજબ રાજ્યમાં હેક્ટરદીઠ વૃક્ષની સંખ્યા 2001માં પ્રતિ હેક્ટર 14.01 હતી, તે 2021માં 25.75 થઈ છે. એ દૃષ્ટિએ 20 વર્ષમાં 11.65%નો વધારો થયો છે. રાજ્યમાં વૃક્ષની દૃષ્ટિએ આણંદ જિલ્લો સૌથી સમૃદ્ધ છે. અહીં હેક્ટર દીઠ વૃક્ષોની સંખ્યા 71.44 છે. તે પછી રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 70.59, વલસાડમાં 69.50, મહેસાણામાં 67.62 અને વડોદરામાં 64.35 છે. જ્યારે સૌથી ખરાબ સ્થિતિ સુરેન્દ્રનગરની છે. અહીં હેક્ટરે માત્ર 4.50 વૃક્ષો છે. અમદાવાદ જિલ્લામાં આ પ્રમાણ 10.38 અને રાજકોટમાં છે.
રાજ્યમાં 20 વર્ષમાં વૃક્ષસંપદામાં મુખ્ય ફેરફારો
રાજ્યમાં સૌથી વધુ વૃક્ષોની ગીચતા ધરાવતા 5 જિલ્લા
જિલ્લો | હેક્ટર/વૃક્ષ |
આણંદ | 71 |
ગાંધીનગર | 71 |
વલસાડ | 69.5 |
મહેસાણા | 67.62 |
વડોદરા | 64.35 |
રાજ્યમાં સૌથી ઓછી ગીચતા ધરાવતા 5 જિલ્લા
જિલ્લો | હેક્ટર/વૃક્ષ |
સુરેન્દ્રનગર | 5 |
દેવભૂમિ દ્વારકા | 9 |
જામનગર | 9.56 |
મોરબી | 10.05 |
અમદાવાદ | 10.38 |
રાજ્યમાં વૃક્ષોની ગીચતા પ્રતિ હેક્ટર 14થી વધીને 25 થઈ
વર્ષ | વૃક્ષોની સંખ્યા | હેક્ટર/વૃક્ષ |
2001-02 | 25.10 કરોડ | 14.1 |
2007-08 | 26.89 કરોડ | 16.1 |
2012-13 | 29.51 કરોડ | 18.4 |
2017-18 | 34.35 કરોડ | 22.4 |
2021-22 | 39.75 કરોડ | 25.75 |
ટ્રી કવરમાં 19 વર્ષમાં 196%નો વધારો
રાજ્યમાં ટ્રી કવર (વૃક્ષ આવરણ)નું પ્રમાણ પણ વધ્યું છે. 2001માં 2.06% હતું. તે વધીને 2019માં 6.11% થયું છે. જે છેલ્લા 19 વર્ષમાં 196%નો વધારો સૂચવે છે.
ગ્રીન કવર રાજ્યમાં 11.52%, દેશમાં 24.16%
રાજ્યમાં ગ્રીન કવરનું પ્રમાણ 11.52% જેટલું છેે. જે દેશના 24.16%ની દ્રષ્ટિએ ઓછું છે. જોકે, તેના માટે રાજ્યમાં રણપ્રદેશ, પાણીની અછત, લોકજાગૃતિનો પૂરતો અભાવ સહિતના પરિબળો પણ જવાબદાર મનાય છે.
ફોરેસ્ટ કવર 30 વર્ષમાં વધ્યું
રાજ્યમાં 1991માં 11,907 ચોરસ કિમી ફોરેસ્ટ કવર હતું. જે 2019માં વધીને 14,857 થયું છે. એટલે કે, 30 વર્ષમાં 2950 ચોરસ કિમી વન વિસ્તાર વધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.