તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકને નુકસાનની ચિંતા:વરસાદ ખેંચાતાં ઉત્તર ગુજરાતમાં 3.76 લાખ હેક્ટર વાવેતરને ખતરો

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સપ્તાહમાં વરસાદ ન થાય તો પાક બળી જવાનો ભય
  • મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં 12 ટકા વરસાદની ઘટ
  • 39,500 હેક્ટરમાં વાવેતર પાકને નુકસાનની ચિંતા

સારા ચોમાસાની આશા સાથે અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતમાં 1588124 હેક્ટરના અંદાજ સામે 523253 હેક્ટરમાં ખેડૂતો વાવણી કરી ચૂક્યા છે. એટલે કે, અંદાજ સામે 32.94 ટકા વાવણી થઇ ચૂકી છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં છેલ્લા પંદરેક દિવસથી વરસાદ ખેંચાઇ રહ્યો છે. જેને કારણે આ સપ્તાહમાં વરસાદ ન થાય તો 3.76 લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલો પાક બળી જવાની ચિંતા ખેડૂતોમાં ફેલાઇ છે.

પિયતની સગવડવાળા 146287 હેક્ટરમાં થયેલું કપાસ અને શાકભાજીનું વાવેતર હજુ સંકટથી દૂર છે. પરંતુ માત્ર વરસાદના ભરોસે કરેલું 3.76 લાખ હેક્ટરમાં પથરાયેલો પાક તરસે મરી રહ્યો છે. અા સપ્તાહમાં વરસાદ નહીં થાય તો પાક સુકાઇને બળી જવાનું જોખમ પ્રબળ બન્યું છે. કૃષિ અેક્સપર્ટોના મત્તે, વરસાદ ખેંચાવાના કારણે જમીનમાં ભેજનું પ્રમાણ ઝડપથી ઘટી રહ્યું છે. અા સ્થિતિમાં જો હવે સમયસર વરસાદ નહીં અાવે તો ઉત્તર ગુજરાતની 3.76 લાખ હેક્ટર થયેલી વાવણી સુકાઇને બળી જવાનો અંદાજ છે. પ્રતિ હેક્ટરે ખેડ, બિયારણ અને મજુરી પાછળ સરેરાશ રૂ.1050 ખર્ચના અા અંદાજ મુજબ ઉત્તર ગુજરાતના ખેડૂતોને રૂ.39.46 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે.

હવે શાકભાજીના ભાવ વધશે
કુકરવાડાના ખેડૂત વિષ્ણુભાઇ પટેલે જણાવ્યું કે કેનાલ અને બોરથી જે ખેડૂતોને પાણી મળતું હશે તેમના માટે હાલ ચિંતાનો કોઇ વિષય નથી. પરંતુ જે ખેડૂતોને પિયતની સગવડ નથી તેમનો પાક સૂકાવાની શક્યતા વધી છે. વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેડૂતોને શાકભાજીનો સારો ભાવ મળશે અને બજારમાં શાકભાજી મોંઘા બનશે.

ખેંચાતા વરસાદના કારણે 5 જિલ્લામાં નુકસાન અંદાજ

જિલ્લોવિસ્તારરકમ રૂ.
મહેસાણા395004.14 કરોડ
પાટણ386004.05 કરોડ
બનાસકાંઠા11800012.39 કરોડ
સાબરકાંઠા939009.85 કરોડ
અરવલ્લી860009.03 કરોડ
કુલ37600039.46 કરોડ

(નોંધ : વિસ્તાર હેક્ટરમાં દર્શાવ્યો છે)

ઉત્તર ગુજરાતમાં વરસાદની સરેરાશ 17.83 ટકા અછત

જિલ્લોજોઇએવરસ્યોટકા
મહેસાણા119.4105-12.06
પાટણ9111324.17
બનાસકાંઠા90.486-4.86
સાબરકાંઠા138.295-31.25
અરવલ્લી13371-46.61
સરેરાશ114.494-17.83

(નોંધ : વરસાદ મીમીમાં દર્શાવ્યો છે.)

સાડા ચાર વીઘાનો પાક ગરમીથી દાઝી જવાની શક્યતા
દેદિયાસણ ગામના ખેડૂત જેઠાભાઇ પટેલે જણાવ્યું કે, સાડા ચાર વીઘા જમીનમાં મગ, તલ, અડદ અને દિવેલાનું વાવતેર કર્યું છે. વરસાદ ન થવાના કારણે પાક સુકાઇ રહ્યો છે. તેમજ ગરમીના કારણે પાક દાઝી જાય તેવી સ્થિતિએ પહોંચ્યો છે. આગામી બે-ચાર દિવસમાં વરસાદ નહીં આવે તો વાવેતર નિષ્ફળ જશે અને ખર્ચ માથે પડશે. બહુચરાજી તાલુકાના સાપાવાડા ગામના ખેડૂત વલમસિંહ સરતાનસિંહ ઝાલાએ જણાવ્યું કે, પહેલા સારા વરસાદમાં અમે કઠોળ અને ઘાસચારાનું વાવેતર કર્યું છે, પણ હવે વરસાદ ખેંચાતાં આ પાકને પાણી ન મળે તો દશ દહાડામાં ફેલ જશે.

હવામાન વિભાગ મુજબ,10 જુલાઇ સુધી ઉત્તર ગુજરાતમાં સારા વરસાદના કોઇ એંધાણ નહીં
ઉત્તર ગુજરાતમાં સોમવારે ગરમી વધુ 1 ડિગ્રી સુધી વધી હતી. જેના કારણે મુખ્ય 5 શહેરોનું તાપમાન 37.6 થી 37.9 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. જેના કારણે સવારથી જ ગરમીનો અનુભવ શરૂ થયો હતો. બપોરના ગાળામાં અસહ્ય ગરમી સાથે ઉકળાટનો અનુભવ થયો હતો. હવામાન વિભાગની અાગાહી મુજબ, અાગામી તા.10 જુલાઇ સુધી ઉત્તર ગુજરાત હળવા વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટાં પડી શકે છે. અા દરમિયાન સારા વરસાદના કોઇ એંધાણ નથી.

અન્ય સમાચારો પણ છે...