હોમગાર્ડ જવાનોની ભરતી પ્રક્રિયા:મહેસાણા જિલ્લામાં હોમગાર્ડ ભરતીમાં 373 ઉમેદવારો ઉત્તીર્ણ , લાયકાત ધો.10 પાસ પણ સ્નાતકો લાઇનમાં

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 93 જગ્યા માટે 563 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા, મહિલાની 3 જગ્યા માટે 13 પાસ

મહેસાણા જિલ્લામાં એક માસથી શરૂ થયેલી હોમગાર્ડ જવાનોની ભરતી પ્રક્રિયા અંતર્ગત ફિઝિકલ ટેસ્ટ પૂર્ણ થયો છે. ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવાયેલા 533 પૈકી 373 ઉમેદવારો ઉત્તિર્ણ થયા છે. જેમના ડોક્યુમેન્ટસ અને ફિઝિકલ ટેસ્ટની વિગતો બુધવારે અમદાવાદની વડી કચેરીએ મોકલી દેવાઈ હતી.

મહેસાણા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ રાજેશ શાહે કહ્યું કે, 90 પુરૂષ અને 3 મહિલા હોમગાર્ડ જવાનો માટે 24 ઓક્ટોબરથી ભરતી પ્રક્રિયા અંતર્ગત 563 ફોર્મ ભરાયા હતા. દસ્તાવેજોની ચકાસણી બાદ 22 અને 23 નવેમ્બરના રોજ 485 પુરૂષ ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટ માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર બોલાવાયા હતા. જેમાંથી 360 ઉમેદવારો ઉત્તિર્ણ થયા હતા.

જ્યારે 24 નવેમ્બરના રોજ 50 મહિલા ઉમેદવારોને બોલાવાયા હતા. પરંતુ ફિઝિકલ ટેસ્ટ માટે આવેલી 34 પૈકી 13 મહિલા ઉત્તિર્ણ થઈ હતી. 90 પુરૂષ જવાનો માટે 360 ઉમેદવારો અને 3 મહિલા જવાન માટે 13 ઉમેદવારો મળી કુલ 373 ઉમેદવારો ઉત્તિર્ણ થયા છે. ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોની વિગતો અમદાવાદ સ્થિત વડી કચેરી ખાતે મોકલી આપી છે. વડી કચેરી દ્વારા હોમગાર્ડ જવાનોનું મેરિટ બહાર પાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, દૈનિક રૂ.300નું ભથ્થુ અને 4 રૂપિયા વોશિંગ એલાઉન્સ સહિત માસિક રૂ.9 હજારની નોકરી માટે લાયકાત ધોરણ 10 પાસ અને વય મર્યાદા 18થી 50 વર્ષની રખાઇ હતી. જેમાં મોટાભાગના ઉમેદવારો ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએશન કરેલા હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...