ફાળવણી:કડી-કલોલ-કટોસણ રેલવે લાઇનમાં ગેજ રૂપાંતર માટે રૂ.345 કરોડ મંજૂર

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંસદ સભ્ય શારદાબેન પટેલની માંગણીને પગલે ફાળવણી
  • વિસ્તારમાં ઔદ્યોગિક એકમો તેમજ પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ મળશે

ઓટોમોબાઇલ હબ બહુચરાજીને જોડતી અમદાવાદ- રણુંજ રેલવે લાઇન પરના કલોલ- કડી- કટોસણના 37.23 કિલોમીટરમાં ગેજ પરિવર્તન માટે રેલવે વિભાગ દ્વારા રૂ.346.94 કરોડની ફાળવણી કરાઇ છે. ગત બજેટમાં આ રેલલાઇન માટે જોગવાઇ કરાઇ ન હોઇ મહેસાણાનાં સાંસદ શારદાબેન પટેલે 7 એપ્રિલના રોજ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવને લેખિત રજૂઆત કરી હતી. જેને પગલે મંજૂરી અપાતાં હવે ટેન્ડરિંગ સહિતની કાર્યવાહી સાથે કામ આગળ વધશે.

સાંસદ શારદાબેન પટેલે રેલ માટે નાણાંની ફાળવણી બદલ પીએમનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું કે, વિકાસના આ કામો થવાથી ઔદ્યોગિક ક્રાંતિ તેમજ મૂડીરોકાણને પગલે રોજગારીનું સર્જન થશે અને રાજ્યના યુવાનોને ઘેરબેઠાં રોજગારી મળશે.બહુચરાજી- માંડલ તાલુકાને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન જાહેર કરાતાં આ વિસ્તારમાં મારૂતિ, હોન્ડા જેવા અનેક ઔદ્યોગિક એકમ સ્થપાતાં સ્થાનિક રોજગારીની તકોમાં વધારા સાથે બહુચરાજી વિસ્તારનો પણ ઝડપથી વિકાસ થઇ રહ્યો છે.

આ વિકાસ વધુ તેજ ગતિએથી આગળ વધે તે માટે કલોલ- કડી- કટોસણ રોડ- બહુચરાજી રેલવે લાઇનનું ગેજ પરિવર્તન જરૂરી હતું. કેન્દ્ર સરકારના ગત બજેટમાં આ બાબતનો સમાવેશ કરાયો ન હોઇ સાંસદે આ રેલવે લાઇનનું ગેજ પરિવર્તન લોકો માટે ખૂબ ઉપયોગી અને જરૂરી હોવાની રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...