ઘરદીઠ યોગદાન:ઇ.સ.1865માં ઉમિયા માનું મંદિર બાંધવા 3.25 લાખ ખર્ચ થયેલો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડવા પાટીદારોના ઘરદીઠ એક-એક રૂપિયો ઉઘરાવી 2 લાખ રૂપિયા જેટલો ફાળો ભેગો કર્યો હતો

અત્યંત પૌરાણિક, ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ એવા ઉમાપુર અને હાલના ઊંઝા નગરના આ મંદિરમાં વૈદિકકાળથી પાટીદારો મા ઉમિયાની પૂજા-ઉપાસના પૂર્ણ શ્રદ્ધા અને પ્રચંડ આસ્થાથી કરતા આવ્યા છે. દક્ષને ત્યાં યજ્ઞકુંડમાં સતી થયેલાં પાર્વતીજીની ભારતભરમાં આવેલી 52 શક્તિપીઠમાં માતાજીનાં જુદાં-જુદાં અંગ પડ્યાં ત્યાં ત્યાં તે અંગની પૂજા-અર્ચના થાય છે. જ્યારે ઉમાપુર ઊંઝાના આ મંદિરમાં બીજા અવતારે હિમાલયને ત્યાં પુત્રી તરીકે ફરી જન્મેલાં ઉમા સ્વયં આવી પૂર્ણ સ્વરૂપે બિરાજમાન થયેલાં છે.

અહીં તેમના અખંડ સ્વરૂપની પૂજા થાય છે. તેથી તો મહાશક્તિપીઠ છે. અહીં મા ઉમિયાના અખંડ સ્વરૂપની પૂજા થતી હોઈ ભક્તોની મનોકામના શીધ્ર પૂર્ણ થાય છે. ધરતીકંપમાં લુપ્ત થયેલી સરસ્વતી સભ્યતાનો આ પ્રદેશ હોઈ આ પ્રદેશમાંથી કાળક્રમે પાટીદારો સમગ્ર ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ખાનદેશ (મહારાષ્ટ્ર) અને આગ્રા સુધી વિસ્તર્યા છે.

બિહારના માધાવતીના રાજા વ્રજપાલસિંહ માતૃશ્રાદ્ધ માટે બિંદુ સરોવર આવેલા ત્યારે સ્વજાતીના લોકોએ તેમને અહીં રોકાઈ જવાનું કહેતાં શિવભક્ત વ્રજપાલ સિંહે ઊંઝા ઉમિયા માતાજીનું વિ.સં. 212માં મંદિર બનાવી મહાયજ્ઞ કર્યો હતો. કાળક્રમે લુપ્ત થયેલા આ પ્રાચીન મંદિરોના સ્થાને ઊંઝાના વેગડા ગાંમીએ વિ.સં.1122ના માગસર સુદ-2ના દિવસે મંદિર નિર્માણનું ખાતમુહૂર્ત કરી વિ.સં. 1124ના ચૈત્ર મહિનામાં માતાજીના દેવળ પર શિખર ચઢાવી મહાયજ્ઞ કરાવ્યો હતો. વિ.સં. 1356માં અલ્લાઉદ્દીન ખીલજીએ આ મંદિરને ધરાશાયી કર્યું હતું.

માતાજીના મંદિરનો હાલનો કિલ્લો વિ.સં. 1873ના ચૈત્ર સુદ-4ના દિવસે ખાતમુહૂર્ત કરી વિ.સં. 1879માં પૂર્ણ કરાવ્યો હતો. ત્યાર બાદ આ કિલ્લામાં વિ.સં. 1920 મહા સુદ આઠમના દિવસે ખાતમુહૂર્ત કરી, વિ.સં. 1920ના મહા સુદ પાંચમને સોમવારે મંદિર ઉપર શિખર ચઢાવી મહાયજ્ઞ કરાયો હતો. પરંતુ અમદાવાદના મનસુખરામ પટેલને હ્યદયમાં આ મંદિરમાં સુધારો કરવાની પ્રેરણા થતાં ઈંટ-ચૂનાના આ મંદિરને સ્થાને ઉત્થાપીને વિ.સં. 1921 (ઇ.સ. 1865)માં પત્થરની ચોકીઓ, મંદિરનું નીચેનું ભોયરું, પરથાર તૈયાર કર્યો હતો. આ કાર્ય અધૂરું રહેતાં બહેચરદાસ લશ્કરી, સયાજીરાવ ગાયકવાડ અને પાટડીના દરબારની જહેમતથી આખા દેશમાં વસતા કડવા પાટીદારના ઘરદીઠ એક રૂપિયો ઉઘરાવ્યો હતો. જેમાં રૂ.2,04,665નું ઉઘરાણું થયું હતું. મંદિર નિર્માણમાં કુલ ખર્ચ 3,25,821 રૂપિયા થયો છે.

કડવા પાટીદાર જ્ઞાતિના દસ હજાર લોકોની હાજરીમાં મંદિર પર ઊંઝામાં મોલ્લોત શ્રી નાગરદાસ ઉગરચંદ પટેલ તથા રૂસાત શ્રી કશળદાસ કિશોરદાસ પટેલ તરફથી સોનાનું શિખર ચઢાવવામાં આ‌વ્યું હતું. જેનો રૂ.2000નો ચઢાવો થયો હતો. બાંધકામ અંગેની સર્વ વિગતો દર્શાવતો આરસનો શિલાલેખ હાલ મોજુદ છે. વિ.સં.1943માં પુનરોદ્ધાર કરી મંદિરને તા.8 ફેબ્રુઆરી 1887ના દિવસે ખુલ્લુ મુકાયું હતું. આ મંદિરની ઉંચાઈ 63 ફૂટ-9 ઈંચ, પૂર્વ પશ્ચિમ લંબાઈ 86 ફૂટ-6 ઈંચ, ઉત્તર દક્ષિણ પહોળાઈ 81 ફૂટ-6 ઈંચ છે. રંગ મંડપ 26 ફૂટ-8 ઈંચ બાય 11 ફૂટ 1 ઈંચ છે.

અન્ય સમાચારો પણ છે...