માંગણી:વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની 31000 ચો.મી. જમીન માટે રૂ. 2.73 કરોડ ભરવા પડશે

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા નગરપાલિકાને જમીનની રકમ અંગે નિવાસી અધિક કલેકટરે પત્ર કર્યો
  • જમીનનો​​​​​​​ આગોતરો કબજો સોંપવા 30 દિવસમાં રકમ સરકારમાં જમા કરાવવા કહ્યું

મહેસાણાના નાગલપુર ખાતે કબ્રસ્તાનની પાછળની જમીન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા નગરપાલિકા દ્વારા કલેકટર કચેરીએ માંગણી કરાઇ હતી. જે 31000 ચોરસ મીટર જમીનનો આગોતરો કબજો નગરપાલિકાને સોંપતાં પહેલાં 30 દિવસમાં જંત્રી સહિત કુલ રૂ.2.73 કરોડ સરકારમાં જમા કરાવવા કલેકટર કચેરીએ નગરપાલિકાને પત્ર લખ્યો છે. જમીનનો આગોતરો કબજો સોંપવાની જોગવાઇ મુજબ જમીનની વર્ષ 2011ની જંત્રીના દર મુજબ પ્રતિ ચો.મી. રૂ.2150 પ્રમાણે માંગણીવાળી 31000 ચોરસ મીટર જમીનની જંત્રી આધારિત એડવાન્સ કિંમત રૂ. 66.65 લાખ સરકારમાં જમા કરાવવા સુચવાયું છે.

જ્યારે જમીનની જંત્રી મુજબની વાણિજ્ય હેતુના બિન ખેતીની કિંમતના એક ટકા મુજબ થતી સર્વિસ ચાર્જની રૂ. 6,66,500 રકમ જમીનના વેચાણ, હેતુફેર, નવામાંથી જૂના કરારમાં તબદિલીના પ્રિમિયમપેટે જમા કરવા સુચવાઇ છે. આ ઉપરાંત જમીનની વાણિજ્ય હેતુની જંત્રીની 30 ટકા મુજબ રૂ. 1,99,95,000 પડતર જમીનની વેચાણ ઉપજ, જમીન ફરતી ફેરણી અને ઔદ્યોગિક હેતુ માટે ગૌચરની જમીનના વેચાણમાંથી પ્રાપ્તિ સદરે જમા કરાવા સુચવાયું છે. જમીન ફાળવવા અંગે ઠરાવ, માંગણીવાળા હેતુનો ફરજિયાત સેવામાં સમાવેશ થાય છે કે કેમ તે અંગે સંમતિપત્ર રજૂ કરવું પડશેે.

પ્લાન્ટની જમીન માટે સરકાર સુચિત રકમ જમા કરાવાશે
નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પટેલે કહ્યું કે, શહેરમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના પ્રયાસોથી નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મંજૂર થયો છે. હવે નગરપાલિકાને જગ્યા માટે સુચવાયેલી રકમ સરકારમાં જમા કરાવાશે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાની કાર્યવાહી આગળ વધશે.

અન્ય સમાચારો પણ છે...