દુર્ઘટના:ઉત્તર ગુજરાતના 34 તાલુકામાં વરસાદ વીજળી પડતાં 3 જણાનાં મોત

મહેસાણા,ઊંઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઊંઝાના ઉપેરામાં 2 યુવકોનાં અને વાવના માડકામાં કિશોરીનું મોત
  • ઇડરમાં 2, જોટાણા-પાટણમાં 1.50, સરસ્વતી, લાખણી, ખેડબ્રહ્મા અને હિંમતનગરમાં 1.25 ઇંચ મહેસાણા, વિસનગર, ઊંઝા, સિદ્ધપુરમાં એક અને કડી, વડનગર, વિજાપુરમાં અડધો ઇંચ વરસ્યો

ઉત્તર ગુજરાતમાં શનિવાર સાંજે 6 વાગે પૂરા થતા 24 કલાકમાં 34 તાલુકામાં પોણા બે ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. જ્યારે મહેસાણા અને બનાસકાંઠામાં વીજળી પડતાં 3નાં મોત થયાં છે. ઇડરમાં પોણા બે ઇંચ, પાટણ અને જોટાણામાં 1.50 ઇંચ, સરસ્વતી, લાખણી, ખેડબ્રહ્મા અને હિંમતનગરમાં 1.25 ઇંચ, સિદ્ધપુર, મહેસાણા, વિસનગર અને ઊંઝામાં 1-1 ઇંચ વરસ્યો હતો. મહેસાણા, વિસનગર, ઊંઝા અને સિદ્ધપુરમાં એક ઇંચ,જ્યારે કડી, વડનગર, વિજાપુર, શંખેશ્વર, રાધનપુર, ધાનેરા, વડગામ અને વડાલીમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

ઊંઝા તાલુકાના ઉપેરા ગામના પૂર્વ સરપંચ બાબુભાઇ એ.પટેલે જણાવ્યું કે, ભાદરવા સુદ તેરસ નિમિત્તે ગામના માતાજીના મંદિરે ઊજાણી હોઇ શનિવારે બપોરે 3.30 કલાકે વરસાદ શરૂ થતાં વરસાદથી બચવા લોકો મંદિરમાં તેમજ કેટલાક લોકો નજીકમાં આવેલા લીમડાના ઝાડ નીચે ઊભા રહી ગયા હતા. આ દરમિયાન ઝાડ ઉપર વીજળી પડતાં નીચે ઉભેલા સિદ્ધપુરના જય અંબે ચોકમાં રહેતા 40 વર્ષિય જીતુભાઈ પ્રેમાભાઈ પ્રજાપતિ અને પાટણ તાલુકાના નોરતાનો અને ઉપેરા ગામનો ભાણો સુનિલકુમાર દીપસંગજી ઠાકોર (17)નું ઘટના સ્થળે જ મોત થયું હતું.

તેમજ ઊંઝાના ચતુરપુર ગામના રાહુલ સરતાનજી ઠાકોરને ગંભીર ઈજા થઇ હતી.ઘટનાની જાણ થતાં ઊંઝાનાં ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલે તેમના કાર્યક્રમો રદ કરી ઉપેરા ગામે દોડી આવ્યાં હતાં. તેમજ ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ, ટીડીઓ ભાર્ગવી વ્યાસ, તલાટી નિકુંજ દરજી સહિત અધિકારીઓ ઊંઝા સિવિલ ખાતે દોડી આવ્યા હતા. જ્યારે વાવ તાલુકાના માડકા ગામની સીમમાં બપોરે વીજળી પડતાં સંગીતાબેન ધેગાજી રાજપૂત (18)નું મોત થયું હતું.

આજે સાર્વત્રિક વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 4.25 ઇંચ સુધી ભારે વરસાદની તેમજ મહેસાણા અને પાટણમાં 2.50 ઇંચ વરસાદ વરસી શકે છે.

અન્ય સમાચારો પણ છે...