મહેસાણા જિલ્લામાં સોમવારે અલગ અલગ જગ્યાએ થયેલા ત્રણ અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ જણનાં મોત નીપજ્યાં હતાં. નંદાસણ નજીક રોડ ક્રોસ કરી રહેલી મહિલાને, મક્તુપુર નજીક હાઇવે પર આધેડને તેમજ દેરોલ પુલ નજીક રાહદારીને વાહને ટક્કર મારી હતી. પોલીસે ત્રણેય બનાવ અંગે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કડી તાલુકાના સુરજ ગામે રહેતાં હીરાબેન શાંતિલાલ દંતાણી તેમની દીકરી રમીલાબેન સાથે મહેસાણા- અમદાવાદ હાઈવે પર નંદાસણ સ્થિત ઓનેસ્ટ હોટલ નજીક રવિવારે બપોરે રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે કાર (જીજે 02 સીજી 9375)ના ચાલકે મા-દીકરીને ટક્કર મારતાં ગંભીર ઇજાગ્રસ્ત હીરાબેનનું મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
અકસ્માતના બીજા બનાવમાં, ઊંઝાના મક્તુપુર ગામના કનુભાઈના પિતા જયંતિભાઇ વિરાભાઇ રાવળ રાવળ સોમવારે પરોઢે પોતાના ઘરની નજીક મહેસાણા- પાલનપુર હાઇવે ક્રોસ કરી કુદરતી હાજતે જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા વાહનની ટક્કરે ગંભીર ઇજાઓ થતાં ધારપુર સિવિલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.
જ્યારે ત્રીજો બનાવ વિજાપુરના દેરોલ પુલ નજીક હિંમતનગર હાઇવે પર દેવપુરા ગામની સીમમાં બન્યો હતો. સોમવારે વહેલી સવારે અજાણ્યા રાહદારીને કોઈ વાહન ચાલક ટક્કર મારી ભાગી ગયો હતો. જે અકસ્માતમાં રાહદારીનું મોત થયું હતું. પોલીસે વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માતમાં મૃત્યુ પામેલા રાહદારીની ઓળખના પ્રયાસો હાથ ધર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.