મેઘમહેર:કડીમાં 3, વિજાપુર-બહુચરાજીમાં અઢી ઇંચ ખાબક્યો, દાંતીવાડામાં 4, રાધનપુર-પાલનપુરમાં પોણા 3, જોટાણા-સુઇગામમાં 2 ઇંચ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિજાપુરમાં સોમવારે અઢી ઇંચ વરસાદમાં મણિપુરા રોડ, ટીબી રોડ પર નીચાણનાં વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. - Divya Bhaskar
વિજાપુરમાં સોમવારે અઢી ઇંચ વરસાદમાં મણિપુરા રોડ, ટીબી રોડ પર નીચાણનાં વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.
  • ઉત્તર ગુજરાતના 31 તાલુકાઓમાં મેઘમહેર
  • વિજાપુર શહેર : મણિપુરા રોડ, ટીબી રોડ નીચાણ વિસ્તારમાં પાણી ભરાયાં
  • કડી શહેર : કરણનગર રોડ, સુજાતપુરા રોડ, નાનીકડી રોડ, નંદાસણ રોડ પર તેમજ બંને અંડરબ્રિજમાં પાણી ભરાઈ રહેતાં વાહન ચાલકોને હાલાકી
  • આગાહી : ઉત્તર ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતમાં રવિવાર સાંજે 6 થી સોમવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 31 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ દાંતીવાડામાં 4 ઇંચ અને પોણા 3 ઇંચ જેટલો વરસાદ કડી અને રાધનપુરમાં નોંધાયો હતો. આ ઉપરાંત બહુચરાજી, વિજાપુર અને ધનસુરામાં અઢી ઇંચ, તેમજ જોટાણા, હિંમતનગર અને પ્રાંતિજમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો હતો. સોમવારે ઉત્તર ગુજરાતના 65 ટકા વિસ્તારને આવરી લેનાર વરસાદની આ સ્થિતિ મંગળવારે પણ યથાવત રહી શકે છે.

કડીમાં પાલિકા કચેરી સામેના ગ્રાઉન્ડ પાસે ભૂવો પડ્યો હતો.
કડીમાં પાલિકા કચેરી સામેના ગ્રાઉન્ડ પાસે ભૂવો પડ્યો હતો.

કડીમાં છેલ્લા 24 કલાકમા 62 મીમી વરસાદ પડતાં શહેરના જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ગટરો પાણી ગાળી ન શકતા અને નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ઘૂસી જતાં રહીશોને ભારે હાલાકી થઈ પડી હતી. શહેરના બંને અંડરબ્રિજ વરસાદી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરાતાં હાલાકી પડી હતી. શહેરના કરણનગર રોડ, સુજાતપુરા રોડ, દલુકકુંડ મહાદેવ નજીક, નાનીકડી રોડ, નંદાસણ રોડ પરના વરસાદી પાણી બે ત્રણ કલાક બાદ ઓસરી ગયા હતા. નગરપાલિકાની ટીમ સોમવારે વહેલી સવારથી જ વરસાદી પાણીના નિકાલ માટે કામે લાગી હતી.

વિજાપુરમાં સોમવારે અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકતાં ગોવિંદપુરા જુથ પંચાયતના મણિપુરા રોડ, ટીબી વિસ્તારમાં આવેલા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ ગયાં હતાં. જ્યારે શહેરમાં રોડ ઉપર પડેલા ખાડામાં પાણી ભરાતાં વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાનીમાં મુકાયા હતા એસટી ડેપો તરફ જવાના રોડ ઉપર પડેલા મોટા ખાડામાં પાણી ભરાઇ જતાં બસ પસાર થતાં આવતાં આંચકાથી મુસાફરોની પણ હાલત કફોડી બને છે. આથી સત્વરે ખાડો પુરાવી જગ્યા સમતલ કરાવવા માંગ ઊઠી છે.

યાત્રાધામ બહુચરાજીમાં પણ 4 કલાકમાં અઢી ઇંચ પાણી પડતાં મંદિર, ગાયત્રી મંદિર રોડ, બહુચર સોસાયટી સહિતના વિસ્તારમાં પાણી ભરાઇ ગયાં હતાં.હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે.

ઉત્તર ગુજરાતના 31 તાલુકાઓમાં 4 ઇંચ સુધીનો વરસાદ

  • મહેસાણા જિલ્લો : કડીમાં પોણા 3 ઇંચ, બહુચરાજીમાં અઢી ઇંચ, વિજાપુરમાં સવા 2 ઇંચ, જોટાણામાં 2 ઇંચ, મહેસાણામાં 2 મીમી
  • પાટણ જિલ્લો : રાધનપુરમાં પોણા 3 ઇંચ, ચાણસ્મા-શંખેશ્વરમાં અડધો ઇંચ, હારિજ 10 મીમી, સાંતલપુર 9 મીમી, પાટણ 6 મીમી, સમી 5 મીમી
  • બનાસકાંઠા જિલ્લો : સુઇગામમાં પોણા 2 ઇંચ, દાંતામાં દોઢ ઇંચ, અમીરગઢ-દાંતીવાડામાં 1-1 ઇંચ, વાવમાં અડધો ઇંચ, ભાભરમાં 6 મીમી, કાંકરેજ-પાલનપુરમાં 1-1 મીમી
  • સાબરકાંઠા જિલ્લો : હિંમતનગર-પ્રાંતિજમાં 2-2 ઇંચ, તલોદમાં દોઢ ઇંચથી સામાન્ય વધુ, ઇડરમાં સવા 1 ઇંચ, વિજયનગરમાં અડધો ઇંચ, વડાલીમાં 3 મીમી
  • અરવલ્લી જિલ્લો : ધનસુરામાં અઢી ઇંચ, બાયડ-મોડાસામાં 1-1 ઇંચ, માલપુરમાં 10 મીમી, મેઘરજમાં 2 મીમી

ધરોઇ ડેમમાં 277 ક્યુસેક પાણીની આવક ચાલુ, 10 દિવસમાં 6 ડેમમાં 5193 કરોડ લિટરની આવક
ઉપરવાસમાં સારા વરસાદના કારણે ઉત્તર ગુજરાતના 15 પૈકી 6 જળાશયોમાં છેલ્લા 10 દિવસમાં ટુકડે ટુકડે પાણીની સારી એવી આવક થઇ છે. 10 દિવસમાં કુલ 5193 કરોડ લિટર પાણીની આવક થતાં પાણીના જથ્થામાં 2.69 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, સોમવાર સાંજની સ્થિતિએ એક માત્ર ધરોઇ ડેમમાં 277 ક્યુસેક પાણીની આવક ચાલુ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...